ગુયાનાઃ ભારતને પ્રથમ બે T- 20 મેચમાં પરાજય મળ્યા બાદ ભારતે ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે પરાજય આપી શ્રેણી જીવંત રાખી છે. પાંચ મેચની ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2-1થી આગળ છે. ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ભારતે વેસ્ટઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં કમબેકના સંકેત આપ્યા છે. ટીમે ત્રીજી T20 મેચ 7 વિકેટે જીતી લીધી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીત બાદ સિરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે. શ્રેણીની ચોથી મેચ 12 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં રમાશે.
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે સૂર્યા અને તિલકની ઇનિંગની મદદથી 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 34 રને ગિલના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. તેણે 44 બોલમાં 83 રન બનાવ્યા હતા. સૂર્યાએ T20 ઈન્ટરનેશનલની 14મી અડધી સદી ફટકારી હતી. ઓપનરોના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે તિલક વર્મા સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. યાદવ-વર્માની જોડીએ 51 બોલમાં 87 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી અલ્ઝારી જોસેફે સૂર્યાને આઉટ કરીને તોડી હતી.
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેરેબિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. ઓપનર બ્રેન્ડન કિંગે 42 રનની ઇનિંગ રમી હતી. તેણે કાઇલ મેયર્સ સાથે 55 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બાદમાં કેપ્ટન રોવમેન પોવેલે 40 રન બનાવી સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો.
ભારત તરફથી કુલદીપે 3 વિકેટ ઝડપી હતી. આ ફોર્મેટમાં તે સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. કુલદીપે ચહલનો 34 ઈનિંગ્સનો રેકોર્ડ તોડ્યો હતો. અક્ષર પટેલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. યશસ્વી જયસ્વાલને ઈશાન કિશનની જગ્યાએ અને કુલદીપ યાદવને રવિ બિશ્નોઈના સ્થાને લેવામાં આવ્યા છે. જયસ્વાલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. જેસન હોલ્ડર એન્ગલની ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી નથી રમી રહ્યો, તેના સ્થાને રોસ્ટન ચેઝને લીધો છે.