દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારત માટે મહત્વનો દિવસ રહ્યો હતો. આજે ભારતને રેસ્લર બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જ્યારે ગોલ્ફમાં પણ ભારતીય ખેલાડી અદિતિ અશોકે ચોથુ સ્થાન હાંસલ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન જૈવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં ભારતીય નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળતા સમગ્ર દેશમાં ખુશી ફેલાઈ હતી. તેમજ હરિયાણામાં નીરજના ઘરની બહાર મોટી સંખ્યામાં એકત્ર લોકોએ નીરજની જીતની ઉજવણી કરી હતી.
દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, અમને આશા હતી તેમ ગોલ્ડ મેડલ મળ્યો છે. તમામ ખેલાડીઓ પરત આવ્યાં બાદ 13મીના રોજ ઉજવણી કરવામાં આવશે. ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ લઠ્ઠ ગાડ દીયા હૈ, રાજ્ય સરકાર નીરજ ચોપડાને છ કરોડની રોકડ સહાય અને વર્ગ-1માં સરકારી નોકરી આપવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથએ પણ નીરજ ચોપડાને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ નીરજ ચોપડાને શુભકામનાઓ આપી હતી.