નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાઈ હતી. શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 135 રને જીત મેળવી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્મા ટીમની જીતના હીરો રહ્યા હતા. બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી. આ શ્રેણીમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાની આ વર્ષની છેલ્લી T20 મેચ પણ હતી.
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 283 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત આ મેચ 135 રને જીતી ગયું હતું. આ સાથે જ ટી-20 સિરીઝ પણ 3-1થી પોતાના નામે કરી છે. આ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા.
અંતિમ મેચમાં જીત સાથે જ ભારતે 4 મેચની ટી-20 સિરીઝને 3-1ના અંતરથી જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટી-20 સિરીઝ જીતી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું હતું અને રનના હિસાબથી ભારતની આ ટીમ પર અત્યાર સુધીની સૌથી મોટી જીત રહી છે.
ભારતની પ્રથમ વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી હતી અને તેને 18 બોલમાં 36 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 56 બોલમાં 6 ફોર અને 9 સિક્સરની મદદથી અણનમ 109 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 47 બોલમાં 9 ફોર અને 10 સિક્સરની મદદથી અણનમ 120 રન બનાવ્યા હતા. તિલક વર્માને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સ (43), ડેવિડ મિલ્લર (36) અને માર્યો યાનસેન (29*) જ સારૂ પ્રદર્શન કરી શક્યા હતા. આ સિવાય કોઇ પણ બેટ્સમેન ચાલ્યો નહતો. કેપ્ટન એડન માર્કરમ (8), હેનરિક ક્લાસેન (0) રીઝા હેન્ડરિક્સ (0) પર આઉટ થયા હતા. ભારત તરફથી અર્શદીપ સિંઘે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી હતી. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંઘ અને રવિ બિશ્નોઇએ 1-1 વિકેટ ઝડપી હતી.