ભારતઃ સરકારી સ્કૂલોમાં ચિંતાજનક રીતે ઘટાડો, 51 હજાર જેટલી સ્કૂલોને તાળા લાગ્યાં
નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ સમગ્ર દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો હોવાનો અને ખાનગી સ્કૂલની સંખ્યામાં વધારો થયાનું સામે આવ્યું છે. ખાનગી સ્કૂલોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો થયો છે.
શિક્ષણ વિભાગના એક એકમ UDISE ના અહેવાલ મુજબ, વર્ષ 2018-19માં સરકારી શાળાઓની સંખ્યા 10,83,678 હતી, જે વર્ષ 2019-20માં ઘટીને 1032570 થઈ હતી.
રિપોર્ટના ડેટા અનુસાર, દેશભરમાં 51108 શાળાઓ બંધ કરવામાં આવી છે. દેશભરમાં ખાનગી શાળાઓની સંખ્યા પહેલા 3,25,760 હતી જે હવે વધીને 3,37,499 થઈ હતી. તાજેતરમાં જ 2020-21નો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી શાળાઓની સંખ્યામાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. હવે આ સંખ્યા ઘટીને 10,32,049 પર આવી ગઈ છે, કોરોના મહામારીને કારણે સરકારી સ્કૂલોની સંખ્યા ઘટ્યાનું મનાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં સરકારી શાળાઓની સંખ્યા ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2018માં જ્યાં 1 લાખ 63 હજાર 142 શાળાઓ હતી તે સપ્ટેમ્બર 2020માં ઘટીને 1 લાખ 37 હજાર 68 થઈ ગઈ છે. બંગાળ, બિહારમાં આ સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
(PHOTO-FILE)