ભારતે પાકિસ્તાની એફ-16 વિમાન તોડી પાડયું, ભારતના તમામ ફોરવર્ડ એરબેસ એલર્ટ પર, ફાઈટર પાયલટને તૈયાર રહેવાના આદેશ
ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરવાની પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાનોની કોશિશો વચ્ચે ભારતીય વાયુસેનાએ પોતાના તમામ ફોરવર્ડ એરબેસને એલર્ટ કર્યા છે. તેની સાથે જ ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરવાની કોશિશ કરનારા પાકિસ્તાની એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ પાકિસ્તાને પણ પોતાના પાંચ એરપોર્ટ બંધ કર્યા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની વાયુસેનાની નવી હરકત બાદ તણાવમાં વધારો થયો છે. તેની સાથે જ ભારતીય વાયુસેનાએ પોતાના તમામ ફાઈટર પાયલટને તૈયાર રહેવા માટે એલર્ટ આપ્યું છે. પાકિસ્તાનની હરકતોને કારણે ભારતીય વાયુસેનાએ પોતાના તમામ યુદ્ધવિમાનોને એલર્ટ પર રાખ્યા છે. પાયલટને એલર્ટ આપવામાં આવ્યા છે કે બે મિનિટની અંદર ઉડાણ ભરવા માટે તેઓ તૈયાર રહે. મહત્વપૂર્ણ છે કે આવા પ્રકારનું એલર્ટ યુદ્ધના સમયે જ જાહેર કરવામાં આવતું હોય છે.
પાકિસ્તાનની બુધવારે સવારે નૌશેરા-રાજૌરી અને પુંછમાં કરવામાં આવેલી વાયુસીમાના ઉલ્લંઘનની હરકતો બાદ ઉત્તર ભારતના તમામ એરપોર્ટ પર એલર્ટ આપવામાં આવ્યા છે. તેની સાથે જ જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, પઠાનકોટ, ચંદીગઢ, દેહરાદૂન અને ધર્મશાળા એરપોર્ટ પરની તમામ કોમર્શિયલ ફ્લાઈટને રદ્દ કરીને એરપોર્ટને એલર્ટના આદેશ આપવામાં આવ્યા છે.
બોર્ડરની નજીકની તમામ હોસ્પિટલોમાં મેડિકલ સેવાઓ સંબંધિત તમામ તૈયારીઓ અને દવાઓનો ફૂલ સ્ટોક પણ કરાવવામાં આવ્યો છે. તેમને તમામને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે.
તો અમૃતસર એરપોર્ટ પરથી તમામ પ્રવાસીઓને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા છે. ભારતની તમામ એવિએશન કંપનીઓએ પોતાના પ્રવાસીઓ માટે અપડેટ જાહેર કરી છે. આ અપડેટમાં ફ્લાઈટના તાજા રુટની જાણકારી પણ આપવામાં આવી છે.
પાકિસ્તાને પણ બોર્ડર પાસેના તમામ એરપોર્ટને એલર્ટ રાખ્યા છે. પાકિસ્તાને લાહોર, મુલ્તાન, ફૈસલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરપોર્ટથી ઉડનારી ફ્લાઈટોને રદ્દ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના એરસ્પેસ સિસ્ટમમાંથી ઉડાણ ભરનારા આંતરરાષ્ટ્રીય વિમાનો પણ રદ્દ થયા છે અથવા કેટલાક વિમાનોના રુટ બદલાયા છે.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પોતાના આતંકવાદીઓને કરો યા મરોના આદેશ આપ્યા છે. હાલ દિલ્હી સહીતના પાંચ મોટા શહેરોમાં એલર્ટના આદેશ આપવામાં આવ્યા છે. જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને ભાંગફોડ માટે આઈએસઆઈએ આદેશ આપ્યા છે.
તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર નજીક બડગામમાં ભારતનું મિગ-21 યુદ્ધવિમાન નહીં, પણ MI-17V5 હેલિકોપ્ટર તકનીકી ખરાબીને કારણે ક્રેશ થયું હતું. પહેલા અહેવાલ હતા કે મિગ-21ના ક્રેશ થવાથી બે પાયલટ શહીદ થયા છે. પાકિસ્તાની મીડિયાએ પણ મિગ-21 ક્રેશ થયાના અહેવાલ ખોટી તસવીરનો ઉપયોગ કરીને ચલાવાયા છે. આ તસવીર જૂના પ્લેન ક્રેશની છે.