નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક પ્રસંગ જોવા મળ્યો હતો. પિતા-પુત્રીની જોડીએ પ્રથમવાર ફાઈટર જેટ સાથે ઉડાવીને ઇતિહાસ રચ્યો છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ પિતા સંજય શર્મા સાથે વિમાન ઉડાવ્યું હતું. દેશમાં પિતા-પુત્રીની જોડીએ આવું એક ભારે પ્રેરણાદાયી કામ કરીને છવાયા છે.
ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા તેના પિતા, ફાઈટર પાઈલટ સાથે ઉડાન ભરનારી પ્રથમ મહિલા ભારતીય પાઈલટ બની છે. પિતા અને પુત્રીની જોડીએ ભારતીય વાયુસેનાનું હોક-132 વિમાન ઉડાવ્યું હતું. પોતાના પિતાના પગલે ચાલીને અનન્યા શર્માએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે, તેના પિતા પણ ગર્વ અનુભવે છે. 2016 માં IAF ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ સેવામાં પ્રવેશ્યા પછી, અનન્યાએ પણ જોયું કે પાયલટ બનવાનું તેનું સપનું પુરુ થઈ શકે તેમ છે.
ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીટેક પૂર્ણ કર્યા પછી, અનન્યાને ભારતીય વાયુસેનાની ફ્લાઇંગ શાખામાં તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2021માં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત અનન્યાના પિતા એર કોમોડોર સંજય શર્માને 1989માં IAFના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની પાસે લડાયક મિશનનો બહોળો અનુભવ છે. વર્ષ 2016 માં, ભારતીય વાયુસેનામાં પ્રથમ વખત 3 મહિલા ફાઇટર પાઇલોટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઑક્ટોબર 2015માં, ભારત સરકારે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલટ્સને સામેલ કરવાની મંજૂરી આપી હતી. એરફોર્સમાં 1991થી મહિલાઓ હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવતી હતી, પરંતુ તેમને ફાઈટર પ્લેનથી દૂર રાખવામાં આવ્યા હતા.