ભારતીય મૂળના વિખ્યાત અમેરિકન વકીલ નેઓમી જહાંગીર રાવે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના અમેરિકન સર્કિટ જજ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. 45 વર્ષીય નેઓમી જહાંગીર રાવે વિવાદોમાં ઘેરાયેલા બ્રેડ કાવાનોનું સ્થાન ગ્રહણ કર્યું છે. શપથગ્રહણ દરમિયાન તેમના પતિ અલાન લેફેકોવિટ્ઝે પણ હાજર હતા. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ક્લેરેન્સ થોમસે મંગળવારે વ્હાઈટ હાઉસના રુઝવેલ્ટ રૂમમાં નેઓમી જહાંગીર રાવને શપથગ્રહણ કરાવ્યા હતા. તેમણે બાઈબલ પર હાથ મૂકીને શપથગ્રહણ કર્યા હતા.
વ્હાઈટ હાઉસના એક કાર્યક્રમ પ્રમાણે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ શપથગ્રહણ સમારંભમાં સામેલ થયા હતા. ભારતના પારસી તબીબ જેરીન રાવ અને જહાંગીર નરિઓશાંગ રાવના ઘરે ડેટ્રાયટમાં જન્મેલા નેઓમી રાવ, શ્રી શ્રીનિવાસન બાદ બીજા ભારતીય મૂળના અમેરિકન છે કે જેઓ શક્તિશાળી અમેરિકન અદાલતનો હિસ્સો બન્યા છે. માનવામાં આવે છે કે આ અદાલતથી વધારે શક્તિશાળી માત્ર અમેરિકાની સુપ્રીમ કોર્ટ જ છે.