Site icon Revoi.in

USમાં ભારતીય અમેરિકીઓએ ભારતના સમર્થનમાં શાંતિ રેલી કાઢી, ખાલિસ્તાનીઓનોને આપ્યો વળતો જવાબ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ખાલિસ્તાનીઓ હોબાળો મચાવી રહ્યા છે ત્યારે હવે ખાલિસ્તાનીઓને જવાબ આપવા માટે અમેરિકી ભારતીયો પણ તૈયાર છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ મોટી સંખ્યામાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સામે શાંતિ રેલી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે  આ અઠવાડિયાની શરૂઆતમાં અલગતાવાદીઓએ કોન્સ્યુલેટની બહાર તોડફોડ કરી હતી. ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે ગયા રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું.

આ સાથે જ  વિરોધીઓએ પોલીસ દ્વારા મૂકવામાં આવેલા અસ્થાયી સુરક્ષા અવરોધોને તોડી નાખ્યા અને કોન્સ્યુલેટ પરિસરમાં બે કહેવાતા ખાલિસ્તાની ધ્વજ લગાવ્યા. જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ભારત સાથે એકતા દર્શાવવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનોએ સાન ફ્રાન્સિસ્કો અને તેની આસપાસ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.

ભારતીય મૂળના લોકોએ તિરંગાની સાથે અમેરિકાનો ધ્વજ પણ લહેરાવ્યો હતો તેમણે અલગતાવાદી શીખોની વિનાશક પ્રવૃત્તિઓની નિંદા પણ કરી હતી. આ દરમિયાન કેટલાક અલગતાવાદી શીખો પણ ત્યાં હાજર હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર હતી.

કેટલાક અલગતાવાદી શીખોએ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા અને યુએસની સાથે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ભારતીય-અમેરિકનો ભારતની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.