ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે ઇજિપ્તની મુલાકાતે લેશે
નવી દિલ્હીઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 16 થી 17 મે 2023 દરમિયાન ઇજિપ્તની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, આર્મી ચીફ યજમાન દેશના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-ઇજિપ્ત સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ઇજિપ્તની સશસ્ત્ર દળોની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. આર્મી ચીફ ઇજિપ્તની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ, સંરક્ષણ અને લશ્કરી ઉત્પાદન પ્રધાન અને ઇજિપ્તની સશસ્ત્ર દળોના ચીફ ઑફ સ્ટાફ સાથે વાતચીત કરશે. તેઓ ઇજિપ્તની આર્મ્ડ ફોર્સીસ ઓપરેશન્સ ઓથોરિટીના વડા સાથે પણ વ્યાપક પરામર્શ કરશે.
ઇજિપ્ત સાથે ભારતના સૈન્ય સંબંધો વધી રહ્યા છે, જે ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સ્પષ્ટ થયું હતું. ઇજિપ્તની સશસ્ત્ર દળોની ટુકડીએ આ પરેડમાં પ્રથમ દેખાવ કર્યો હતો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દ ફતાહ અલ-સીસી પરેડના મુખ્ય અતિથિ હતા. ભારતીય અને ઇજિપ્તની સેનાના વિશેષ દળોએ આ વર્ષે જાન્યુઆરીમાં “X ચક્રવાત-1” નામની પ્રથમ સંયુક્ત કવાયત હાથ ધરી હતી. આર્મી ચીફની મુલાકાત બંને સેનાઓ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ગાઢ સંકલન અને સહયોગ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય આર્મીની તાકાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. તેમજ અમેરિકા, ઈંગ્લેડન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો સાથે સશસ્ત્ર તાલીમનું અવાર-નવાર આયોજન કરવામાં આવે છે.