Site icon Revoi.in

ભારતીય સૈન્યના પેરા એથલેટ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇ થયા

Social Share

નવી દિલ્લી:ભારતીય સૈન્યના પેરા એથલેટ હવિલ્દર સોમન રાણા ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે સીટેડ શોટ પૂટ, F 57 શ્રેણીમાં ભાગ લેવા માટે પસંદ થયા છે. તેઓ કિર્કી સ્થિત BEG એન્ડ સેન્ટરના સૈન્ય પેરાલિમ્પિક નોડ (સૈન્ય રમતગમત નિયંત્રણ બોર્ડના છત્ર હેઠળ રચાયેલ)ના પેરા એથલેટ છે. સોમન રાણા આંતરરાષ્ટ્રીય પેરા એથલેટ છે અને આ શ્રેણીમાં વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે છે.

શિલોંગના રહેવાસી આ 38 વર્ષીય એથલેટ ઉમદા પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. 01 ડિસેમ્બર 2006ના રોજ ફિલ્ડ એરિયામાં તેમના યુનિટ સાથે સેવા આપતી વખતે, સુરંગ વિસ્ફોટના કારણે તેઓ ઇજાગ્રસ્ત થતા જમણો પગ ગુમાવ્યો હતો. એક પગ જવાથી મોટાભાગના લોકોની રમત પર પૂર્ણ વિરામ લાગી જાય છે પરંતુ સોમન રાણાએ હિંમત હાર્યા વગર તેમના ડર સામે લડત આપી અને પોતે સતત સ્વપ્રેરણા અને મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા.

સોમન રાણાને 2017માં આર્મી પેરાલિમ્પિક નોડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ નોડ તમામ સેવારત દિવ્યાંગ સૈનિકોને પેરા રમતોમાં આગળ વધવા માટે અને જીવનમાં સકારાત્મક અભિગમ વિકસાવવા માટે મંચ પૂરો પાડે છે. 2017માં આર્મી પેરાલિમ્પિક નોડનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં આ નોડના પેરા એથલેટ્સે 28 આંતરરાષ્ટ્રીય ચંદ્રકો અને 60 રાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા છે. તેમણે એશિયન પેરા ગેમ્સ, વર્લ્ડ મિલિટરી ગેમ્સ, વર્લ્ડ પેરા ચેમ્પિયનશીપ અને વર્લ્ડ ગ્રાન્ડ પ્રિક્સ ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ચંદ્રકો જીત્યા છે.

આ વર્ષમાં, તમામ પ્રતિબંધો વચ્ચે પણ સોમન રાણા તુનિસ વર્લ્ડ પેરા એથલેટ્સ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા અને XIX રાષ્ટ્રીય એથલેટ્સ પેરા ચેમ્પિયનશીપમાં બે સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા હતા. સોમન રાણાએ આપણા દેશને ગૌરવ અપાવ્યું છે અને તેઓ ભારતીય સૈન્યના તમામ પેરા એથલેટ્સ માટે પ્રેરણારૂપ છે. તેઓ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદારોમાંથી એક છે.