બિહારમાં સ્થિતિ ગંભીર થતા ભારતીય સેના આવી મદદે, પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને પટનામાં શિફ્ટ કરી
- બિહારમાં કોરોના બની રહ્યો છે અતિજોખમી
- ભારતીય સેના પહોંચી બિહારની મદદે
- પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને પટનામાં કરી શિફ્ટ
પટના: બિહારમાં કોરોનાવાયરસના વધતા કેસને ધ્યાનામાં રાખીને ભારતીય સેના બિહાર સરકારની મદદે આવી છે. ભારતીય સેનાએ પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને ખસેડીને પટનામાં શિફ્ટ કરી છે. આ બંને હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબી અધિકારીઓ અને અન્ય તબીબી કર્મચારીઓની સેવા પટનામાં 500 પથારીની હોસ્પિટલ સ્થાપવા માટે લેવામાં આવશે.
આ હોસ્પિટલમાં સઘન સંભાળ માટે સો બેડ હશે. આગામી બે દિવસમાં, વધારાના નિષ્ણાંતો, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને પ્રશિક્ષિત સહાયકો પણ હોસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેનાએ એક વિશેષ કોવિડ મેનેજમેન્ટ સેલની પણ સ્થાપના કરી છે જેમાં ડાયરેક્ટર જનરલ કક્ષાના અધિકારીઓ સીધા સેનાના ડેપ્યુટી ચીફને રિપોર્ટ કરે છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બિહારમાં કોરોનાવાયરસના 15 હજારથી વધારે કેસ નોંધાય છે અને 16 ટકા કેસ એક્ટિવ છે. બિહારમાં સૌથી વધારે પોઝીટીવ કેસ પટના અને મુજફ્ફરનગરમાં છે. જો વાત કરવામાં આવે કુલ કેસની તો રાજ્યમાં 1 લાખ 15 હજાર કોરોના સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે.
બિહારમાં પણ સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને એક જ દિવસમાં 95 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે અને કુલ 77.50 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે.