નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. ભારત રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદવાની વિચારણા કરી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સરહદ પર ચીનના અવિરત આક્રમક વલણનો સામનો કરવા માટે ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી વિશ્વના સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર્સ પૈકી Tu-160 ખરીદશે. Tu-160 વ્હાઇટ સ્વાન એટલે કે સફેદ બંસ તરીકે પણ ઓળખાય છે.
તાજેતરમાં રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ મેળવ્યા બાદ જેટ બોમ્બર ભારત માટે વધુ એક મહત્વપૂર્ણ ડીલ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી વિશ્વના માત્ર 3 દેશો – અમેરિકા, રશિયા અને ચીન પાસે વ્યૂહાત્મક બોમ્બર છે. અમેરિકાના ભારે વિરોધ છતાં પણ ભારતે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ મેળવ્યા બાદ હવે પહેલું વ્યૂહાત્મક બોમ્બર જેટ ખરીદવા જઈ રહ્યું છે.
વ્યૂહાત્મક બોમ્બર્સ એવું જેટ છે જે આંખના પલકારામાં દુશ્મનના ઘરે ઘુસીને મિસાઈલ હુમલો કરી પરત ફરી શકે છે. આવા બોમ્બર ભારત આવવાથી તેના માટે બાલાકોટ જેવા હવાઈ હુમલા કરવાનું સરળ બની જશે.