- પીએમ મોદી ઓલિમ્પિક રમતવીરોને મળ્યા
- નીરજ ચોપરાને ચુરમો ખવડાવ્યો
દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ભારતીય રમતવીરો સાથે મુલાકાત કરી હતી, ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાના ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકમાં ભારતનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. આ પહેલા 2012 લંડન ઓલિમ્પિકમાં ભારતે છ મેડલ જીત્યા હતા.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને પોતાનો મનપસંદ ચૂરમા પણ ખવડાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા બેડમિન્ટન સ્પર્ધામાં મેડલ જીતનાર પીવી સિંધુને મોદીજીએ આઈસ્ક્રીમ પાર્ટી આપી હતી. પીવી સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બેડમિન્ટનમાં બે મેડલ જીતનાર ભારતની એકમાત્ર ખેલાડી છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય રમતવીરોને સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. તે પછી પીએમ મોદી 16 ઓગસ્ટના રોજ તમામ ખેલાડીઓને નાસ્તા પર મળ્યા હતા