એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, 29 ગોલ્ડ સહિત કુલ 111 મેડલ જીત્યાં
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સમાં પણ યથાવત રહ્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 111 મેડલ જીતીને ઈતિહાસ સર્જયો છે. અગાઉ વર્ષ 2018માં જકાર્તા એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 72 મેડલ જીત્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે ભારતીય ખેલાડીઓએ 39 જેટલા વધારે મેડલ જીત્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતે 29 ગોલ્ડ સહિત 111 મેડલ સાથે મેડલ રેકિંગમાં પાંચમું સ્થાન હાંસિલ કર્યું છે.
આ મહિનાની શરૂઆતમાં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 100 થી વધુ મેડલ જીતનાર ભારતીય ટુકડીએ શનિવારે અહીં યોજાયેલી ચોથી એશિયન પેરા ગેમ્સમાં પણ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને 29 ગોલ્ડ, 31 સિલ્વર તથા 51 બ્રોન્ઝ સહિત કુલ 111 મેડલ સાથે પોતાના ઐતિહાસિક અભિયાનનું સમાપન કર્યું હતું. સ્પર્ધાના સાતમા અને અંતિમ દિવસે સમાપન સમારોહ પહેલા ભારતે ચાર ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ સાથે 12 મેડલ જીત્યા હતા. પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે, અગાઉનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2018 જકાર્તા એશિયન પેરા ગેમ્સમાં હતું, જ્યારે ભારતીયોએ 15 સુવર્ણ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સહિત 72 મેડલ જીત્યા હતા.
અગાઉ, અહીં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કર્યો હતો અને 107 મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર, 41 બ્રોન્ઝ) સાથે મેડલ ટેબલમાં ચોથા સ્થાને હતું. ભારતીય ટુકડી એશિયન પેરા ગેમ્સ મેડલ ટેલીમાં પાંચમા સ્થાને રહી હતી. યજમાન ચીને અનુક્રમે 521 મેડલ (214 ગોલ્ડ, 167 સિલ્વર અને 140 બ્રોન્ઝ) જ્યારે ઈરાન (44+46+41=131), જાપાન (42+49+59=150) અને કોરિયા (30+33+40=103) જીત્યા છે. દિલીપ મહાદુ ગાવિતે સવારે પુરુષોની T-47 400 મીટર સ્પર્ધામાં તેનો 26મો સુવર્ણ ચંદ્રક જીતીને ભારતે 100 ચંદ્રકનો આંકડો પાર કર્યો. ગાવિતે પુરુષોની 400 મીટર T47 સ્પર્ધામાં 49.48 સેકન્ડના સમય સાથે ઇન્ડોનેશિયાના નૂરફેરી પ્રદાના અને શ્રીલંકાના મારવાકા સુબાસિંઘેને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.