ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં કેટલીક મોટી આતંકી ઘટના કરવાનું ષડયંત્ર કરી રહ્યા હતા. પોલીસે કહ્યું છે કે એરેસ્ટ કરવામાં આવેલા આતંકીઓમાં આઈએસઆઈએસ ઈન્ડિયાનો પ્રમુખ હેરિસ ફારુકી અને તેનો સહાયક સામેલ છે.
આસામ એસટીએફના આઈજીપી પાર્થસારથિ મહંતે કહ્યુ છે કે સહયોગી એજન્સીઓ પાસેથી જાણકારી મળી હતી કે ભારતમાં આઈએસઆઈએસના બે ટોચના લીડરોએ બાંગ્લાદેશમાં ડેરો નાખેલો હતો અને તેઓ કંઈક મોટું કરવા માટે ધુબરી સેક્ટરથી ભારતમાં પ્રવેશ કરશે. મહંતે કહ્યુ છે કે માહિતી મળતા જ તેમણે એક વિશેષ ટીમની રચના કરી અને તલાશી અભિયાન ચલાવ્યું. આઈજીપી પાર્થસારથિ મહંતના નેતૃત્વામં અધિક એસપી કલ્યાણકુમાર પાઠક અને અન્ય અધિકારીઓની સાથે એસટીએફ ટીમે ઓપરેશનને પાર પાડયું અને સ્થાનિક પોલીસે તેમની મદદ કરી.
એક નિવેદનમાં આસામ પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી પ્રણવજ્યોતિ ગોસ્વામીએ કહ્યુ કે એક ગુપ્ત માહિતીના આધારે એસટીએફે બંનેને ધર્મશાળા ક્ષેત્રમાં એરેસ્ટ કર્યા અને બાદમાં તેમને ગૌહાટી એસટીએફ કાર્યાલયમાં લાવવામાં આવ્યા. તેમણે કહ્યુ છે કે આ બંનેની ઓળખ પાકી છે અને એ જોવામાં આવ્યું છે કે આરોપી હેરિસ ફારુકી ઉર્ફે હેરિસ અજમલ ફારુકી (દેહરાદૂનના ચકરાતાનો વતની) ભારતમાં આઈએસઆઈએસનો પ્રમુખ છે. તેમણે કહ્યું છે કે તેનો સાથી અનુરાગ સિંહ ઉર્ફે રેહાન ઈસ્લામ અપનાવી ચુક્યો છે અને તે પાણિપતનો વતની છે. રેહાનની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેના મનમાં કટ્ટરપંથ ભરેલો પડયો છે અને તે ભારતમાં આઈએસઆઈએસના ઉત્સાહી નેતા અથવા સદસ્ય છે. તેમણે ભરતી, ટેરર ફ્ંડિંગ તથા ભારતમાં વિભિન્ન સ્થાનો પર આઈઈડી મારફત આતંકી હરકતોને અંજામ આપવાના ષડયંત્ર દ્વારા ભારતમાં આઈએસઆઈએસનો ઉદેશ્ય આગળ વધાર્યો છે. પોલીસ અધિકારી મુજબ, બંને વિરુદ્ધ એનઆઈએ, દિલ્હી, એટીએસ અને લખનૌ તથા અન્ય સ્થાનો પર ઘણાં મામલા પેન્ડિંગ છે. તેમણે કહ્યુ છે કે આસામનું એસટીએફ આ આરોપીઓની વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી માટે તેમને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપશે.