વિયરેબલ્સ વસ્તુઓના 75 % બજાર ઉપર ભારતીય કંપનીઓનો કબજો, ચીનમાં અનેક ફેકટરીઓ બંધ
નવી દિલ્હીઃ ભારતીય કંપનીઓએ ભારતમાં પહેરી શકાય તેવી ઈલેક્ટ્રીક વસ્તુઓ એટલે કે ઇયરબડ, નેક બેન્ડ અને સ્માર્ટવોચના 75% બજાર પર કબજો કર્યો છે. આ બજાર ઉપર અત્યાર સુધી ચીનનો કબજો હતો પરંતુ આત્મનિર્ભર ભારત સહિતની યોજનાને પગલે ભારતને મોટી સફળતા મળી છે બીજી તરફ ચીનની ફેક્ટરીઓના ઓર્ડરમાં ઘટાડો થયો છે, તેમજ ઘણી ફેક્ટરીઓને તાળા પણ લાગી ગયા છે. કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે તૈયાર પહેરી શકાય તેવી ઈલેક્ટ્રીક વસ્તુઓ એટલે કે વિયરેબલ્સ વસ્તુઓની આયાત પર 20% બિજીક કસ્ટમ ડ્યુટી લાદી હતી. આ નિર્ણયની અસર એ થઈ કે ભારતીય કંપનીઓએ ચીનમાંથી સામાન આયાત કરવાને બદલે દેશમાં ઉત્પાદન શરૂ કર્યું હતું. નિષ્ણાતોના મતે, વિયરેબલ એસેમ્બલી ચીનથી ભારતમાં શિફ્ટ થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, બોટ અને ગિઝમોર જેવી બ્રાન્ડ્સ દેશમાં મોટાભાગની વિયરેબલ વસ્તુઓ બનાવે છે.
- ચીનને પાછળ છોડી ભારત આગળ વધ્યું
ભારત હવે વિયરેબલ માટે વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. IDC ઈન્ડિયાના અહેવાલો અનુસાર, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે, વિયરેબલની ઘરેલુ શિપમેન્ટ 25 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ છે, જે 2022 ની તુલનામાં 81 ટકા વધુ છે. જ્યારે ચીનના શિપમેન્ટમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 24.7 મિલિયન યુનિટ્સ પર રહ્યો છે.
- સ્થાનિક કંપનીઓ દ્વારા ભારતીય બજાર પર કબજો
દેશના બજાર પર સ્થાનિક કંપનીઓનું વર્ચસ્વ 75% છે. 2022 ના અંત સુધીમાં, દેશમાં વેચાતા વિયરેબલ્સમાંથી 40% સ્વદેશી રીતે ઉત્પાદિત હતા. આ આંકડો હાલમાં 65% છે, જે 2023 ના અંત સુધીમાં 80% સુધી પહોંચવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2023 માં, ભારતે રૂ. 8,000 કરોડના વિયરેબલ બનાવ્યા, જે 2022 કરતા ઘણા વધારે છે.
(social media)