Site icon Revoi.in

ભારત કોરોના મુક્ત થયાનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો

Social Share

નવી દિલ્હીઃ કોરોના જેવી ભયાનક મહામારીને લઈને દેખરેખ રાખતી સૌથી મોટી સંસ્થાએ રાહતની જાહેરાત કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે હવે ભારતને કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યું છે. હવે કોરોના ભારતમાં સ્થાનિક શ્રેણીમાં પહોંચી ગયો છે. એટલે કે, આ વાયરસ તમારી વચ્ચે હશે, પરંતુ અલગ અલગ સ્વરૂપોમાં હશે. જે હવે તેની પોતાની જૂની મહામારી જેવી પરિસ્થિતિમાં નહીં પહોંચી શકે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા થોડા દિવસોમાં જનજીવન સામાન્ય થઈ જશે. જો કે, હવે આખા દેશને આગામી કેટલાક વર્ષો સુધી કોરોના વાયરસના તમામ બદલાયેલા સ્વરૂપોનો સામનો કરવો પડશે.

ICMRના ચીફ એપિડેમિયોલોજિસ્ટ ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ જેવી ભયાનક મહામારી હવે ખતમ થઈ ગઈ છે. જ્યારે આખી દુનિયામાં કોવિડને લઈને હોબાળો મચ્યો હતો ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત આઈસીએમઆરે મહામારી (રોગચાળો) જાહેર કરી હતી. રોગચાળા દરમિયાન, કોરોનાએ દેશ અને વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. પ્રથમ, બીજી અને ત્રીજી લહેરમાં વિશ્વના વિવિધ ભાગોમાં સૌથી વધુ વિનાશ થયો હતો. તમામ લહેરનું મૂલ્યાંકન વિવિધ દેશો અનુસાર કરવામાં આવ્યું હતું.

તેમનું કહેવું છે કે, હાલમાં ભારતમાં કોઈપણ પ્રકારના કોરોના વાયરસનો કોઈ મોટો ખતરો નથી. જે રીતે કેસ અને આંકડા બહાર આવી રહ્યા છે, હવે આ બીમારીને સ્થાનિક શ્રેણીમાં રાખવામાં આવી રહી છે. એટલે કે, હવે આ રોગ દેશભરના તમામ રાજ્યોના તમામ શહેરો, ગામડાઓ, તાલુકાઓ અને નગરોમાં કહેર વરસાવી શકે તેવી સ્થિતિમાં નથી. રાજ્યના એક શહેરમાં કેસ વધી શકે, પરંતુ તેનો પ્રકોપ એક સાથે આખા દેશમાં જોવા નહીં મળે. ICMR પાસે ઉપલબ્ધ ડેટા તેની પુષ્ટિ કરે છે. તેના આધારે હવે કોરોના જેવી મહામારીને સ્થાનિક નિપાહ જેવી બીમારી સાથે સરખાવી દેવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને વિવિધ રાજ્યોમાંથી ICMR સુધી પહોંચતા આ રોગથી સંક્રમિત લોકોના આંકડા સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. જો કે, આ વાયરસના પરિવર્તન અને આ વાયરસના જીનોમિક્સનો અભ્યાસ કરવાનું ચાલુ છે. પરંતુ હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાનિક બની ગયેલા વાયરસનો અભ્યાસ કરવા જેવી થઈ ગઈ છે. કોરોના વાયરસ બિલકુલ ગયો નથી. તે સમયાંતરે તેના બદલાયેલા સ્વરૂપ સાથે આવી શકે છે, કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળે અને કેટલાક વિસ્તારોમાં તે બિનઅસરકારક પણ હોય શકે છે. દેશમાં કરવામાં આવેલ રસીકરણ અને લોકોમાં આ વાયરસ સામે વધેલી રોગપ્રતિકારક શક્તિને કારણે આ વાયરસ હવે મહામારીનું રૂપ ધારણ કરવાની સ્થિતિમાં નથી.

ICMRના મુખ્ય રોગચાળાના નિષ્ણાત ડૉ. સંમેલન પાંડાએ જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોએ માસ્ક મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે, હાલની સ્થિતિને લઈને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ લોકોએ માસ્ક પહેરવા જોઈએ. પ્રોફેસર પાંડાના જણાવ્યા અનુસાર, માસ્ક માત્ર કોરોના વાયરસથી જ નહીં પરંતુ પ્રદૂષણથી લઈને બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે. વૃદ્ધો, અને ખાસ કરીને ગંભીર રોગો ધરાવતા લોકોએ માસ્ક પહેરવા જોઈએ. કોઈપણ પ્રકારનો માસ્ક બીમાર વ્યક્તિને ચેપને કારણે થતી ગંભીરતાથી બચાવે છે.

છેલ્લા કેટલાક દિવસોથી ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસમાં અચાનક વધારો થયો છે. ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાના કેટલાક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આ અંગે ICMRના ચીફ એપિડેમિયોલોજિસ્ટ ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે દેશોમાં આવા કેસ સામે આવી રહ્યા છે તે તમામ ઓમિક્રોનના છે.ભારતમાં પણ જે કેસ આવી રહ્યાં છે તે ઓમિક્રોનના છે અને તેમની સંખ્યા હવે નહિવત કહી શકાય તેવી છે.

2019માં આખી દુનિયામાં પહેલીવાર કોરોના વાયરસ દેખાયો હતો અને પ્રારંભિક તબક્કામાં વૈજ્ઞાનિકો પાસે તેનાથી બચવાનો કોઈ રસ્તો નહોતો. ધીરે ધીરે, વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને પરિણામ હવે બધાની સામે છે. તેથી, વિશ્વના જુદા જુદા હિસ્સાઓમાં હજુ પણ કેસ આવતા રહેશે. ક્યાંક વાયરસનું બદલાયેલ સ્વરૂપ હશે તો ક્યાંક વાયરસ નવા સ્વરૂપમાં જોવા મળી શકે છે. વાયરસના જીનોમિક્સ અને બદલાતી પ્રકૃતિ પર સંશોધન ચાલી રહ્યું છે.