Site icon Revoi.in

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Social Share

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરે 21 ઓગસ્ટ (સોમવાર)ના રોજ દિલ્હીમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા પણ હાજર રહ્યો. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું નથી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ તેને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.

એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ , ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના.

જો જોવામાં આવે તો BCCIની યાદી અનુસાર, આઠ વિશેષજ્ઞ બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન અને તિલક વર્માને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઈશાન અને કેએલ રાહુલમાંથી કોઈ એક વિકેટકીપિંગ કરે તેવી શક્યતા છે

એશિયા કપમાં વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાની ભૂમિકા ઘણી મહત્વની રહેવાની છે. હાર્દિક બેટથી શાનદાર રમત બતાવવા માંગશે, જ્યારે બોલિંગમાં પણ ભારતીય ચાહકો આ સ્ટાર ખેલાડી પાસેથી મજબૂત રમતની અપેક્ષા રાખશે. રવિન્દ્ર જાડેજાની સાથે અક્ષર પટેલને પણ ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બોલની સાથે અક્ષરે બેટથી પણ અનેક પ્રસંગોએ પોતાની ક્ષમતા સાબિત કરી છે.