મુંબઈઃ ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી ખેલાડી આગામી સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને RCB ટીમ ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ દિવસે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઈપીએલ બાદ જ કાર્તિક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ શકે છે.
38 વર્ષીય કાર્તિકે 2008થી IPLની તમામ 16 આવૃત્તિઓમાં ભાગ લીધો છે અને છેલ્લી 16 સિઝનમાં તે માત્ર બે મેચ જ ચૂક્યો છે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ‘આ 2024ની આવૃત્તિ તેની (દિનેશ કાર્તિક) છેલ્લી આઈપીએલ હશે. આઈપીએલ પછી તેની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ અંગે નિર્ણય લેશે. IPLના સૌથી અનુભવી વિકેટ-કીપર બેટ્સમેનોમાંના એક, કાર્તિકે લીગમાં છ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે.
કાર્તિકે 2011માં કિંગ્સ ઈલેવન પંજાબમાં જતા પહેલા 2008માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે કેપિટલ) સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2014 માં દિલ્હી પાછા ફરતા પહેલા તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે રૂ. 12.5 કરોડની ભારે કિંમતમાં બે સીઝન (2012, 2013) રમી હતી. રોયલ ચેલેન્જર્સે તેને 2015માં રૂ. 10.5 કરોડમાં સાઈન કર્યો હતો અને કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ચાર સીઝન (2018 થી 2021) વિતાવ્યા પહેલા તે 2016 અને 2017માં ગુજરાત લાયન્સ માટે રમ્યો હતો.
આ પછી કાર્તિક કોમેન્ટ્રીમાં ચમક્યો. તેણે ઘણી મોટી ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરી છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલ અને 2023ની ફાઈનલનો સમાવેશ થાય છે. આ સિવાય તે ODI વર્લ્ડ કપ 2023માં કોમેન્ટ્રી પેનલનો પણ ભાગ હતો. તમિલનાડુના આ ખેલાડીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે, વિકેટ કીપર બેટ્સમેન તરીકેની તેની કારકિર્દી એમએસ ધોની સાથે ટકરાઈ હતી.
2004માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યા બાદ, તેણે 26 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 1025 રન બનાવ્યા છે અને 57 કેચ અને છ સ્ટમ્પિંગ કર્યા છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2018માં રમી હતી. ODI માં, તેણે 2004 થી 2019 ની વચ્ચે 94 મેચોમાં 1752 રન બનાવ્યા અને 64 કેચ અને સાત સ્ટમ્પિંગ કરવામાં સફળ રહ્યો. 2006માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યા બાદ, કાર્તિકની ભારત માટે છેલ્લી મેચ 2022માં બાંગ્લાદેશ સામે હતી. તેણે 60 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 686 રન બનાવ્યા અને 30 કેચ અને આઠ સ્ટમ્પિંગ કર્યા.
કાર્તિકે 242 આઈપીએલ મેચ રમી છે, જેમાં 20 અડધી સદી સાથે 25.81ની એવરેજ અને 132.71ની સ્ટ્રાઈક રેટથી 4516 રન બનાવ્યા છે. તેણે 141 કેચ અને 36 સ્ટમ્પિંગ કર્યા છે. તેણે તાજેતરમાં નવી મુંબઈમાં DY પાટિલ T20 કપમાં ભાગ લીધો હતો. તે તેની છેલ્લી IPLમાં રન બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી. તે તમામ મેચ આરસીબી ટીમ માટે રમે તેવી શક્યતા છે.