નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 600 સિક્સર પૂરી કરી લીધી છે. તેણે બુધવારે ICC T20 વર્લ્ડ કપ 2024માં આયરલેન્ડ સામેની મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં રોહિતે 140.54ની સ્ટ્રાઈક રેટથી 37 બોલમાં 52 રન બનાવ્યા. તેણે બુધવારે ન્યૂયોર્કમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, આ ત્રણ છગ્ગા સાથે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા પૂરા કર્યા. જોકે, ઈજાના કારણે તેની ઈનિંગ ટૂંકી થઈ ગઈ હતી અને 10મી ઓવર બાદ ક્રિઝ છોડવી પડી હતી.
આ મેચની વાત કરીએ તો, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શરૂઆતથી જ આયરિશ બેટ્સમેનો પર દબાણ બનાવ્યું હતું અને આયરિશ ટીમે માત્ર 50 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, ગેરેથ ડેલાની (14 બોલમાં 26 રન, બે ચોગ્ગા અને બે છગ્ગા) અને જોશુઆ લિટલ (13 બોલમાં 14 રન, બે ચોગ્ગા)એ શાનદાર બેટિંગ કરી અને આયર્લેન્ડને 16 ઓવરમાં 96 રનના કુલ સ્કોર સુધી પહોંચાડી દીધું. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. 97 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે કેપ્ટન રોહિત શર્મા (37 બોલમાં 52 રન, ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા)ની અડધી સદી અને ઋષભ પંત (26 બોલમાં 36* રન, ત્રણ છગ્ગા સાથે)ની શાનદાર ઇનિંગને કારણે મેચ જીતી લીધી હતી. 12.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર જીત મેળવી હતી.