ICC પ્લેયર ઓફ મંથ તરીકે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમાર પસંદગી
દિલ્હીઃ ઈંગ્લેન્ડના ભારત પ્રવાસમાં ટેસ્ટ અને વન-ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે વિજય મેળવ્યો હતો. માર્ચ મહિનામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન-ડેમાં શાનદર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ છે. ભુવનેશ્વર આ એવોર્ડ મેળવનાર સતત ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. જાન્યુઆરીમાં પ્રથમ એવોર્ડ વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને મળ્યો હતો. ફેબ્રુઆરીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને એવોર્ડ મળ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 3 વન-ડેમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 4.65ની સરેરાશથી 6 વિકેટ લીધી હતી. જ્યારે પાંચ ટી-20માં 6.38ની સરેરાશથી ચાર વિકેટ લીધી હતી. આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થયેલા ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે, લાંબા અને દર્દનાક બ્રેક બાદ ભારત માટે ફરી રમવાની ખુશી હતી. આ દરમિયાન ફિટનેસ અને ટેક્નિક પર ઘણું કામ કર્યું છે. ભારત માટે ફરી વિકેટ લઇને સારું લાગી રહ્યું છે. ભુવનેશ્વર ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેનો સીન વિલિયમ્સ પણ રેસમાં હતો.
આઇસીસી વોટિંગ એકેડેમીના સભ્ય વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ભુવી લગભગ દોઢ વર્ષ ઇજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો નહોતો. તેણે શાનદાર વાપસી કરતાં પાવરપ્લે અને ડેથ ઓવરમાં ઇંગ્લેન્ડના આક્રમક બેસ્ટમેનો સામે સારુ પ્રદર્શન કરતાં ભારતની જીતનો પાયો નાંખ્યો હતો.