નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીની દુનિયાભરની નજર મંડાયેલી છે. તેમજ સોશિયલ મીડિયામાં યુદ્ધના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એટલું જ નહીં યુક્રેનમાં વસવાટ કરતા મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પોતાના દેશ પરત ફરી રહ્યાં છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સહીસલામત પરત લાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન યુક્રેનના યુદ્ધમાં પોતાના મકાન માલિકના પરિવારને મુશ્કેલીમાં મુકીને નીકળવાનો ઈન્કાર કર્યો છે. ભારતના હરિયાણાની આ દીકરીએ કહ્યું કે, પોતાના મકાનના માલિક યુદ્ધમાં ગયા છે અને એવામાં તેઓ મકાન માલિકની પત્ની અને બાળકોને છોડીને જઈ શકતી નથી.
ભારતની આ બહાદુર દીકરીનું નામ નેહા છે, તે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. ગયા વર્ષે જ તેના પિતાનું નિધન થયું છે. જ્યારે માતા અધ્યાપિકા છે. હરિયાણાની નેહાને યુક્રેનમાં પોતાની કોલેજની હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા મળી ન હતી. જેથી તેઓ સિવિલ એન્જિનીયરના ઘરમાં ભાડેથી રહે છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ સવિતા જાખડએ શેર કરી છે. લોકો આ પોસ્ટ વાંચીને ભાવુક થઈ ગયા હતા. તેમજ ભારતીયોએ ભારતીય દીકરની બહાદુરીની પ્રશંસા કરી રહ્યાં છે. નેહાના પિતા આર્મીમાં હોવાનું જાણવા મળે છે. રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેનમાં બહુ લોકો આર્મી જોડાઈ રહ્યાં છે. હાલ નેહા અને તેમના મકાન માલિકનો પરિવાર હાલ બંકરમાં રહે છે. નેહાએ કહ્યું હતું કે, જ્યારે હોસ્ટેલમાં રૂમ નહીં મળતા આ પરિવારે એક સભ્યની જેમ રાખી છે હવે જ્યારે તેઓ મુશ્કેલીમાં છે તો તેમને એકલા મુકીને નીકળવું યોગ્ય નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ખાસ ફ્લાઈટ દ્વારા અત્યાર સુધીમાં અનેક ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે.