Site icon Revoi.in

ભારતીય લોકશાહી જીવંત અને વિશ્વમાં સૌથી મોટી છેઃ દ્રૌપદી મુર્મુજી

Social Share

જ્યપુરઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજભવન, જયપુર ખાતે સંવિધાન ઉદ્યાન, મયુર સ્તંભ, રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટ, મહાત્મા ગાંધી અને મહારાણા પ્રતાપની પ્રતિમાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, તેમણે રાજસ્થાનમાં સોલાર એનર્જી ઝોન માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને SJVN લિમિટેડના 1000 MW બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણી લોકશાહી જીવંત છે અને વિશ્વમાં સૌથી મોટી છે. આપણું બંધારણ આ મહાન લોકશાહીનો પાયો છે. તેમણે કહ્યું કે આ સમારોહમાં ભાગ લઈને, તેમને બંધારણના નિર્માતાઓને તેમનું સન્માન કરવાની તક મળી છે. તેમણે કૃતજ્ઞ રાષ્ટ્ર વતી ભારતના બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિએ ઉદ્યાનમાં પ્રદર્શિત બંધારણ નિર્માણના ત્રણ વર્ષની ઐતિહાસિક સફરને કલાત્મક રીતે વર્ણવવા બદલ કલાકારોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા આધુનિક ઇતિહાસનું એક મુખ્ય પ્રકરણ સંવિધાન ઉદ્યાનમાં ભવ્ય ચિત્રો, શિલ્પો અને અન્ય કલા સ્વરૂપો દ્વારા રજૂ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણ નિર્માતાઓએ સમાજના દરેક વર્ગ પ્રત્યેની સંવેદનશીલતા અને લોકશાહીના દરેક સ્તર અને વહીવટના દરેક પાસાઓ પ્રત્યેની જાગૃતિને કારણે એક વ્યાપક બંધારણનું નિર્માણ કર્યું છે. આપણા દીર્ઘદ્રષ્ટા બંધારણ નિર્માતાઓએ ભાવિ પેઢીઓની જરૂરિયાતો અનુસાર સિસ્ટમ બનાવવાના અધિકારો વિશે સ્પષ્ટ વિચાર કર્યો હતો. એટલે બંધારણીય સુધારાની જોગવાઈઓનો પણ બંધારણમાં જ સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 105 સુધારા કરવામાં આવ્યા છે. આમ, આપણું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે જે સમયાંતરે લોકોની બદલાતી આશાઓ અને આકાંક્ષાઓને અપનાવવા અને તેમાં સમાવિષ્ટ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.