નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે CII સત્રને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક આર્થિક મોરચે ફુગાવામાં ઘટાડો થયો છે, પરંતુ વૃદ્ધિદર ઘટ્યો છે. નાણાંકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરથી આગળ વધી શકે છે. મોંઘવારીમાં ઘટાડો જળવાઈ રહેવાની સંભાવના છે.’
સ્વિત્ઝર્લેન્ડનાં દાબોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની 54મી વાર્ષિક બેઠક ચાલી રહી છે. વિશ્વના મોટા દેશના નાણાં અધિકારીઓ અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો WEF ફોરમમાં શામેલ થયા છે. WEF ફોરમ 15 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 19 જાન્યુઆરીના રોજ આ ફોરમ પૂર્ણ થશે.