ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોરોનાથી સંક્રમિત,ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાંથી બહાર
મુંબઈ:ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ત્રણ મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.ભારતીય ફાસ્ટ બોલર શમી કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવી ગયો છે, જેના કારણે તે આ સીરીઝમાં ભાગ લઈ શકશે નહીં.શમીને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યારે તેને ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, શમીને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તે મોહાલી પહોંચી શક્યો ન હતો. બોર્ડને શમીને ચેપ લાગ્યો હોવાની માહિતી શનિવાર 17 સપ્ટેમ્બરે જ મળી હતી. ભારતીય ખેલાડીઓ શનિવારે જ મોહાલી પહોંચ્યા હતા. ટી-20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં જ રમાવાની છે. જો કે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
શમી 10 મહિનાના લાંબા અંતર બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યો છે.ગયા વર્ષે UAEમાં T20 વર્લ્ડ કપ બાદથી તે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો.એવું માનવામાં આવતું હતું કે,પસંદગીકારોએ તેને ટી-20માં ન લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એશિયા કપમાં યુવા બોલરોના પ્રદર્શન અને જસપ્રિત બુમરાહ-હર્ષલ પટેલ જેવા મુખ્ય બોલરોની ફિટનેસને કારણે તેને ફરીથી ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20, 23 અને 25 સપ્ટેમ્બરે સીરીઝ મેચો રમાવાની છે.તે જ સમયે, 28 સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયા સમાન મેચોની સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે.ટીમ ઈન્ડિયા ટી-20 બાદ દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝ પણ રમશે પરંતુ વર્લ્ડ કપની ટીમ તેમાં ભાગ લેશે નહીં.