Site icon Revoi.in

ભારતીય ફુટબોલ ટીમને ફિફા વર્લ્ડ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો

Social Share

નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમને બે સ્થાનનો ફાયદો થયો છે. ફિફા રેન્કિંગમાં ભારતીય ટીમ 104માં ક્રમે છે. તાજેતરમાં રમાયેલા એએફસી એશિયા કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ કરતા એક ક્રમ પાછળ છે. એશિયન ફૂટબોલ કન્ફેડરેશન સભ્યોમાં ભારતીય ટીમનું રેન્કિંગ 19માં ક્રમે યથાવત્ રહ્યું છે.

ચાલુ મહિને ભારતીય ફૂટબોલ ટીમે એશિયા કપ ક્વોલિફાયરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ ડીની ત્રણ લીગ મેચમાં વિજય સાથે ભારતે 2023માં યોજાનારા એશિયા કપમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. ભારતીય ટીમે પાંચમી વખત એશિયા કપમાં ક્વોલિફાય કર્યું હતું અને ભારત સૌપ્રથમ વખત બેક ટુ બેક ક્વોલિફાય કરી શક્યું હતું. ફિફા રેન્કિંગમાં સૌથી ટોચની ટીમ બ્રાઝીલની રહી હતી. ત્રણ મહિના અગાઉ બ્રાઝીલે બેલ્જીયમ (બીજો ક્રમ) પાસેથી આ સ્થાન છીનવ્યું હતું. આર્જેન્ટીના એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા ક્રમે જ્યારે ફ્રાન્સ યુઈએફએ નેશન્સ લીગમાં ચાર ગેમમાંથી એકપણ ના જીતી શકતા ચોથા ક્રમે રહ્યું હતું. ઈંગ્લેન્ડ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ અને ડેનમાર્કનો અનુક્રમે ટોપ 10માં સમાવેશ થયો હતો.