અમદાવાદઃ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતો ને એકસમાન વીજદર લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ ઉચ્ચક પદ્ધતિ લાગુ કરવા અથવા ઉપરનો ખર્ચ સરકાર ભોગવે તેવી માગણી સાથે કિસાન સંઘે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.
ભારતિય કિસાન સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 18 લાખ ખેતીવાડીના કનેક્શન પૈકી જૂના જોડાણોમાં અપાતી વીજળીના વર્ષે ઉચ્ચક 66,500 વસૂલાય છે. જ્યારે 2003 પછીના જોડાણ મીટરવાળા છે. જેમાં યુનિટ દીઠ 60 પૈસાનો ભાવ અને હોર્સ પાવર દીઠ 20 રૂપિયા વસૂલાય છે. જેના કારણે મીટરવાળા ખેડૂતોને વર્ષે 1 લાખથી વધુ રકમ ચૂકવવી પડે છે. જેથી કિસાન સંઘની માગ છે કે કાં તો સરકાર બધા જ ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક રકમ નક્કી કરે અથવા મીટરવાળા ખેડૂતોનો ઉપરનો ખર્ચ સરકારે ભોગવવો જોઈએ.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ખેતીવાડીમાં આપવામાં આવતો 8 કલાકનો વીજપુરવઠો સતત અનિયમિત છે. દિવાળી પછી કોલસાની વૈશ્વિક કટોકટી શરૂ થઈ ત્યારથી માંડીને આજદિન સુધી ખેતીવાડી ક્ષેત્રને રાજ્યમાં અનિયમિત વીજળી મળી રહી છે. જેથી ખેતીવાડી ક્ષેત્રે લોડશેડિંગ બંધ કરી દિવસે વીજળી આપવાની માગ કરાઈ છે. રાજ્ય સરકારે જંગલી પ્રાણીઓના ત્રાસના કારણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત તો કરી છે પણ હજીયે રાત્રે વીજળી આપવાની સ્થિતિ ચાલુ જ છે. લોડશેડિંગ ગમે ત્યારે કરી દેવામાં આવે છે. પૂરેપૂરી આઠ કલાક માટે ખેડૂતોને વીજળી મળતી જ નથી. ત્યારે આ પરિસ્થિતિનો તાકીદે હલ કરવા કિસાન સંઘે માગણી કરી છે.