Site icon Revoi.in

ભારતીય મિસાઈલ સિસ્ટમ અત્યંત સલામત અને ભરોસાપાત્રઃ રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હીઃ ભારતે તાજેતરમાં જ આકસ્મિક રીતે એક મિસાઈલ છોડી હતી જે પાકિસ્તાનમાં પડી હતી. ભારતે આ દુર્ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના તેની નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે આ મિસાઈલ ભારત દ્વારા છોડવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, હું 9 માર્ચ, 2022 ના રોજ બનેલી એક ઘટના વિશે આ ગૃહને વાકેફ કરવા માંગુ છું. આ ઘટના નિરીક્ષણ દરમિયાન અજાણતા મિસાઈલ છોડવા સાથે સંબંધિત છે. મિસાઈલ યુનિટની નિયમિત જાળવણી અને તપાસ દરમિયાન સાંજે લગભગ 7 વાગે અકસ્માતે મિસાઈલ છુટી હતી. જે બાદમાં ખબર પડી કે આ મિસાઈલ પાકિસ્તાનની સીમામાં પડી છે. આ ઘટના ખેદજનક છે. પરંતુ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનાને કારણે કોઈ નુકસાન થયું નથી.

તેમણે વધુમાં કહ્યું કે હું ગૃહને જણાવવા માંગુ છું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કથિત અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જાણી શકાશે. હું એ પણ કહેવા માંગુ છું કે આ ઘટનાના સંદર્ભમાં, ઓપરેશન, જાળવણી અને તપાસ માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમે અમારી શસ્ત્ર પ્રણાલીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. જો આ બાબતે કોઈ ક્ષતિ જણાશે તો તેને તાત્કાલિક સુધારી લેવામાં આવશે. અમારી મિસાઈલ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત અને ભરોસાપાત્ર છે. અમારી સલામતી પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ ઉચ્ચ ધોરણના છે અને સમય સમય પર તેની સમીક્ષા કરવામાં આવે છે. અમારા સુરક્ષા દળો પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ છે અને તેમની પાસે આવી પ્રણાલીઓને સંભાળવાનો સારો અનુભવ છે. તેમણે કહ્યું કે ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. હાલમાં SOPની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કોઈ ખામી જણાય તો તેને તરત જ સુધારી લેવામાં આવશે. અમારી મિસાઈલ સિસ્ટમ અત્યંત સલામત અને ભરોસાપાત્ર છે.