નવી દિલ્હીઃ મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મ્યાનમાં આ રેકેડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને મુક્ત કરાવીને પરત ભારત લાવવામાં આવ્યાં છે.
ભારતે મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટમાં માહિતી આપતા કહ્યું કે, 45માંથી 13 ભારતીય નાગરિકો તમિલનાડુ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, બીજા કેટલાક ભારતીય નાગરિકોને તેમના નકલી માલિકોથી બચાવી લેવાયા છે. જેઓ હાલ મ્યાનમાર સત્તાવાળાની કસ્ટડીમાં છે. તેમને પરત લાવવાની કાયદાકીય ઔપચારિકતા શરૂકરાઈ ચુકી છે.
પરત ફરેલા લોકોમાંથી એક વ્યક્તિએ જણાવ્યું કે, આ વર્ષે થાઈલેન્ડની એક ફર્મ દ્વારા દુબઈમાં ઈન્ટરવ્યૂમાં તેની પસંદગી કરાઈ હતી. તેને અન્ય લોકો સાથે બળજબરીથી બેંગકોકથી રોડ માર્ગે મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા અને સૌને શસ્ત્રો ધરાવતી ટોળકી દ્વારા નામ વગરની કંપની માટે કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.