Site icon Revoi.in

ભારતીય નેવીઃ INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે નેવી વીકની ઉજવણી

Social Share

અમદાવાદઃ જામનગરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી, જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું.

વાલસુરાના CO ગૌતમ મારવાહાએ જણાવ્યું હતું કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના જહાજો દ્વારા કરાચી બંદરના સફળ મિસાઇલ હુમલા અને નાકાબંધીની યાદમાં દર વર્ષે 4ઠ્ઠી ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણી કરે છે. આ દિવસ ભારતીય નૌકાદળના જવાનોની અદમ્ય ભાવનાને પણ સમર્પિત છે જેઓ ગર્વ સાથે દેશની સરહદોનું રક્ષણ કરે છે. INS વાલસુરા અસંખ્ય ઉજવણીઓ દ્વારા નૌકાદળ દિવસની ઉજવણી કરે છે.

આ વર્ષે નેવી વીક દરમિયાન નવેમ્બર માસથી લઈને ડિસેમ્બર સુધી કરવામાં આવનાર વિવિધ ઉજવણીઓમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ઇન્ટર સ્કૂલ પેઈન્ટીંગ અને ક્વિઝ કોમ્પીટીશન અને બીટીંગ રીટ્રીટ સહિતના કાર્યક્રમો યોજાશે. વાલસુરા દ્વારા આ વર્ષે ‘વિકટરી રન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર સ્થિત સેનાની ત્રણેય પાખ તેમજ સૈનિક સ્કૂલ બાલાચડી તથા એનસીસી કેડેટ અને સીવીલીયન મળી અંદાજે 400 જેટલા લોકોની ઉપસ્થિતમાં 15 કિલોમીટરનું વિકટરી રનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય નેવીનું તાલીમ કેન્દ્ર INS વાલસુરા છેલ્લા 79 વર્ષથી અસ્તિત્વમાં છે જેમાં ભારતીય નૌકાદળના કર્મચારીઓ તેમજ મૈત્રીપૂર્ણ વિદેશી નૌકાદળના કર્મચારીઓને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર્સ અને વેપન્સ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવે છે.