Site icon Revoi.in

હૂતી વિદ્રોહીઓના હુમલાનો ભોગ બનેલા પનામાના જહાજને ભારતીય નેવીએ બચાવ્યું

Social Share

નવી દિલ્હીઃ હુતી બળવાખોરોના મિસાઇલ હુમલા બાદ ભારતીય નૌકાદળએ ઝડપથી પનામા-ધ્વજવાળા જહાજને મદદ પુરી પડી હતી. નેવીના ઝડપી પ્રતિસાદને કારણે, 22 ભારતીયો સહિત 30 ક્રૂ સભ્યોના જીવ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટાર, જહાજ, જ્યારે 26 એપ્રિલે હુતી બળવાખોરોના મિસાઇલ હુમલાનો ભોગ બન્યું ત્યારે તે ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું. આ પછી નૌકાદળના જહાજ INS કોચીએ ઝડપથી જવાબ આપ્યો અને તમામ ક્રૂ સભ્યોને બચાવી લીધા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, ઈરાન સમર્થિત હુતી આતંકવાદીઓએ યમનથી લાલ સમુદ્રમાં મુસાફરી કરી રહેલા વેપારી જહાજો માઈશા અને એમવી એન્ડ્રોમેડા સ્ટાર પર ત્રણ એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઈલો ફાયર કરી હતી. હુમલામાં વહાણને નજીવું નુકસાન થયું હતું. લાલ સમુદ્રમાં વિવિધ વ્યાપારી જહાજો પર હુતી આતંકવાદીઓના હુમલા અંગે વધતી વૈશ્વિક ચિંતા વચ્ચે આ હુમલો થયો છે. વિદ્રોહીઓએ નવેમ્બરથી લાલ સમુદ્રમાં હુમલા વધારી દીધા છે.

નેવીએ જણાવ્યું હતું કે, 26 એપ્રિલે પનામાના ધ્વજવાળા જહાજ એમવી એન્ડ્રોમેડા સ્ટાર પર મિસાઈલ હુમલા બાદ ડિસ્ટ્રોયર આઈએનએસ કોચીને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. એમવી એન્ડ્રોમેડા સ્ટારને નૌકાદળના INS કોચી દ્વારા અટકાવવામાં આવ્યું હતું અને જહાજની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે હેલિકોપ્ટર કામગીરી સહિત હવાઈ જાસૂસી હાથ ધરવામાં આવી હતી. જોખમ શોધવા માટે નેવીની એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી.

નેવીએ કહ્યું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટારમાં 22 ભારતીય નાગરિકો સહિત 30 ક્રૂ સવાર હતા. તે તમામ સુરક્ષિત છે અને જહાજ તેના આગલા મુકામ માટે રવાના થઈ ગયું છે. અમારી તાત્કાલિક કાર્યવાહી આ વિસ્તારમાંથી પસાર થતા જહાજો અને ખલાસીઓની સુરક્ષામાં ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કરે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારતીય નૌકાદળે પશ્ચિમ હિંદ મહાસાગરમાં હુમલા બાદ અનેક વેપારી જહાજોને સહાય પૂરી પાડી છે.