દિલ્હીઃ કોરોના મહામારીની અસર ઓછી થતા હવે દેશમાં ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત મુસાફરોને સારી સુવિધાઓ મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય રેલવેએ માર્ચ 2024 સુધીમાં 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટ બનાવવાની સમય મર્યાદા નક્કી કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે 15 વંદે ભારત ટ્રેનો 15 ઓગસ્ટ 2023 સુધીમાં મુખ્ય શહેરોને જોડશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, 58 વંદે ભારત રેક માટે પ્રોપલ્શન સિસ્ટમ માટે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 44 વંદે ભારત રેક માટેના સાધનોનો કોન્ટ્રાક્ટ આ વર્ષની શરૂઆતમાં મેધા સર્વોને આપવામાં આવ્યો છે. આ સાથે ભારતીય રેલવે 2024 ની શરૂઆતમાં 102 વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
સરકારે દેશની પ્રથમ સ્વદેશી બાંધવામાં આવેલી સેમી-હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારતના ઝડપી નિર્માણ માટે ટેન્ડર દસ્તાવેજોમાં ફેરફાર કર્યા છે. આ સાથે હવે સ્થાનિક કંપનીઓ પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. વંદે ભારત એક વૈભવી એરકન્ડિશન્ડ ચેર-કાર ટ્રેન છે. તે હાઇ સ્પીડ ટ્રેનો જેવી જ લાગે છે. વંદે ભારતની રચના 160 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ માટે કરવામાં આવી છે. તે જ સમયે, તેનો ટ્રાયલ રન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યો હતો. વંદે ભારત ઓટોમેટિક એન્જિન ધરાવતી ટ્રેન છે. તેની ઊંચી ઝડપને કારણે મુસાફરીનો સમય ઓછો થાય છે. યુરોપીયન ટ્રેન સ્ટાઇલ સીટ, રીડિંગ લાઇટ, જીપીએસ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મોડ્યુલર બાયો-ટોઇલેટ્સ અને અન્ય ઘણી સુવિધાઓ આ ટ્રેનને મુસાફરો માટે ખાસ બનાવે છે. ટેન્ડર મુજબ, આઇસીએફ ચેન્નાઇમાં 30 રેક અને એમસીએફ રાયબરેલી અને આરસીએફ કપૂરથલામાં 14 રેક બનાવવામાં આવશે. દિલ્હી-વારાણસી અને દિલ્હી-કટરા રૂટ પર દોડનારી પ્રથમ બે વંદે ભારત ટ્રેનો આઈસીએફ ચેન્નઈમાં બનાવવામાં આવી છે.
અગાઉ આપવામાં આવેલા 44 રેકના ટેન્ડરના ભાગરૂપે વંદે ભારતએ જણાવ્યું હતું કે પ્રથમ પ્રોટોટાઇપ રેક માર્ચ 2022 સુધીમાં આઇસીએફ ચેન્નઇમાં બનાવવામાં આવશે. આ પછી, RDSO મોટા પાયે રેકનું પરીક્ષણ કરશે. ભારતીય રેલવેને આશા છે કે 2022 ના બીજા ભાગમાં નવી વંદે ભારત ટ્રેન પાટા પર દોડશે.