નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, BEML ના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેકટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્રેનની કિંમત 28 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. બીજા એક પ્રશ્નના જવાબમાં રેલવેમંત્રીએ જણાવ્યું કે, વંદેભારત એક્સપ્રેસ ગાડીઓમાં પ્રવાસીઓની સંખ્યા લગભગ 100 ટકા જેટલી નોંધાઇ છે. વંદેભારત ટ્રેનની ગતિ ઘટાડવાની કોઇ દરખાસ્ત વિચારણા હેઠળ નથી અને આ ટ્રેનોની મહત્તમ ગતિક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.
રેલવેમંત્રીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, દેશભરની ટ્રેનોમાં રિઝર્વેશન વગરના કોચની સંખ્યા ઘટાડવાની દરખાસ્ત વિચારણા હેઠળ નથી. તેમણે કહ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં વિવિધ મેઇલ એકસપ્રેસ ટ્રેનોમાં 600થી વધુ જનરલ કલાસના કોચ જોડવામાં આવ્યા છે. ભારતીય રેલવેએ 10 હજારથી વધુ નોન એસી તેમજ જનરલ સ્લીપર કોચનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યુ છે.