ભારતીય રેલ્વે: 2027 સુધીમાં દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળશે, જાણો શું છે રેલ્વેનો પ્લાન?
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વર્ષ 2027 સુધીમાં કન્ફર્મ ટિકિટ મળવાનું શરૂ થશે, ભારતીય રેલ્વેની મોટી વિસ્તરણ યોજનાઓમાં દરરોજ નવી ટ્રેનો ઉમેરવામાં આવશે. જેથી પ્રવાસીઓને કન્ફર્મ ટિકીટ મળવાની આશા છે. દિવાળી દરમિયાન અને છઠ પહેલા પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. છઠ માટે બિહાર જતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે 40 વર્ષના એક વ્યક્તિએ જીવ ગુમાવ્યાના સમાચાર પણ સામે આવ્યા છે. જો કે, આ સમસ્યાના ઉકેલ માટે રેલવે એક મોટી યોજના બનાવી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દર વર્ષે નવા પાટા નાખવામાં આવશે. દર વર્ષે 4,000-5,000 કિલોમીટર ટ્રેકનું નેટવર્ક પાથરવામાં આવશે. હાલમાં દરરોજ 10,748 ટ્રેનો દોડી રહી છે, તેને વધારીને દરરોજ 13,000 ટ્રેનો કરવાનો લક્ષ્યાંક છે. આગામી 3-4 વર્ષમાં 3000 નવી ટ્રેનો ટ્રેક પર શરૂ કરવાની યોજના છે. દર વર્ષે લગભગ 800 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે, આ યોજના મુસાફરોની ક્ષમતા વધારીને 1,000 કરોડ કરવાની છે. રેલ્વે મુસાફરીનો સમય ઘટાડવા માટે પણ કામ કરી રહી છે, જેમાં વધુ ટ્રેક નાખવાનો અને ઝડપ વધારવાનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, સ્પીડ વધારવા માટે એક્સિલરેશન અને ડીલેરેશન વધારવું જરૂરી છે જેથી ટ્રેનને રોકવામાં અને સ્પીડ મેળવવામાં ઓછો સમય લાગે. રેલ્વેના એક અભ્યાસ મુજબ, જો એક્સિલરેશન અને ડીલેરેશન વધારવામાં આવે તો દિલ્હીથી કોલકાતાની મુસાફરીમાં બે કલાક અને વીસ મિનિટનો સમય બચાવી શકાય છે. તેમજ પુશ અને પુલ ટેક્નોલોજી એક્સિલરેશન અને ડીલેરેશન વધારવામાં મદદ કરશે. હાલમાં દર વર્ષે લગભગ 225 આવી ટ્રેનો બનાવવામાં આવી રહી છે જેમાં પુશ-પુલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વંદે ભારત જેવી મોટી ટ્રેનોની એક્સિલરેશન અને ડીલેરેશન ક્ષમતા વર્તમાન ટ્રેનો કરતા ચાર ગણી વધારે છે.