ભારતીય રેલવેઃ મુસાફરોની સુરક્ષામાં કરાશે વધારો, તમામ ટ્રેનના કોચમાં CCTV કેમેરા લગાવાશે
નવી દિલ્હીઃ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. હવે, ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રાલય વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલય આગામી દિવસોમાં 705 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 15,000 કોચમાં CCTV લગાવવા જઈ રહ્યું છે. આ કેમેરા રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો તેમજ EMU, MEMU અને DEMU જેવી પેસેન્જર ટ્રેનોમાં લગાવવામાં આવશે. ટ્રેનોના કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા ચોરી અને લૂંટના બનાવો પણ ટકાવી શકાશે.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સીસીટીવી લગાવવાના પ્રોજેક્ટમાં દેશભરની તમામ ટ્રેનોને આવરી લેવામાં આવશે. રેલવે તમામ 60,000 કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક કોચમાં ઓછામાં ઓછા બે પેનિક બટન પણ લગાવવામાં આવશે. પ્રવાસ દરમિયાન જો કોઈ મુસાફર દ્વારા પેનિક બટન દબાવે તો તાત્કાલિક નજીકની RPF પોસ્ટ અથવા ડેટા સેન્ટરને એલર્ટ કરવામાં આવશે. તેમજ મુસાફરને ઝડપથી સુરક્ષા પુરી પાડવામાં આવશે.
ટ્રેનોમાં લગાવવામાં આવનાર આ સીસીટીવી ઈન્ટરનેટ પ્રોટોકોલ આધારિત હશે. સીસીટીવીમાં વીડિયો એનાલિટિક્સ અને ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ પણ હશે. તેઓ RPF પોસ્ટ્સ, ડિવિઝનલ અને ઝોનલ હેડક્વાર્ટરથી રિમોટ ઓપરેશન અને કોચની દેખરેખને સક્ષમ કરશે. રેલવેના આ સીસીટીવી કેમેરા હાઈ રિઝોલ્યુશનની તસવીરો લઈને ટાર્ગેટ વ્યક્તિને ઓળખવામાં સક્ષમ હશે. આ અદ્યતન કેમેરાની મદદથી તે ઓછા પ્રકાશમાં પણ ચહેરાને ઓળખી શકશે.
રેલ્વે મંત્રાલય દ્વારા ગયા વર્ષે સંસદને જાણ કરવામાં આવી હતી કે, દેશમાં લગભગ 2,930 રેલ કોચમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. રેલવે આ CCTV દ્વારા રેલવે કોચના દરવાજા, વેસ્ટિબ્યુલ વિસ્તાર અને કોરિડોરને આવરી લેશે. જેથી દરેક પ્રકારની હિલચાલ પર નજર રાખી શકાય. કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય છે. ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવાથી ચોરી અને લૂંટના મામલા પર નજર રાખી શકાશે, સાથે જ મુસાફરોની સુરક્ષા પણ મજબૂત થશે. ચોરી અને તમામ પ્રકારની ઘટનાઓ બાદ સમયાંતરે ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ ઉઠી છે.
(Photo-File)