દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, આવી તમામ ચર્ચાઓ ઉપર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે ભારતની સંપતિ છે અને સંપતિ રહેશે. જો કે, રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલવેની સાથે દેશની પણ પ્રગતિ થશે.
લોકસભામાં વર્ષ 2021-22 માટે રેલ્વે વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે, કેટલાક સાંસદો રેલ્વેના ખાનગીકરણની વાતો કરે છે તે દુખદાયક છે. હકીકતમાં રેલવેનું ખાનગીકરણ ક્યારેય નહી થાય. દેશમાં તમામ રોડ સરકારે બનાવ્યાં છે. પરંતુ તેની ઉપર સરકારી વાહનોની સાથે ખાનગી વાહનો પણ દોડે છે. તેવી જ રીતે રેલ્વે ટ્રેક પર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલ્વેની સાથેસાથે દેશની પણ પ્રગતિ થશે. દેશના 50 સ્ટેશનોને મોડલ ડિઝાઈન તૈયાર કરાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને સારી અને આરામદાયક સુવિધા આપવા, રેલવે દ્વારા અર્થવ્યવસ્થા વધુ મજબુત થાય તેવા કામ કરવામાં આવશે. જેમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. જો કે, રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. પરંતુ જો તેમાં ખાનગી રોકાણ આવતુ હોય તો તેનાથી કોઈને વાંધો હોવો જોઈએ નહી. રેલવે સ્ટેશન પર વેઈટિંગ રૂમ, એસ્કેલેટર જેવી મોર્ડન સુવિધાઓની જરૂર છે અને તેના માટે રોકાણની જરુર પડશે. હાલમાં દેશના 50 રેલવે સ્ટેશનનુ મોર્ડનાઈઝેશન કરવામાં આવી રહ્યુ છે.