ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે
દિલ્હી:ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે.આ ટ્રેન દ્વારા લોકો વિસ્તારની મુલાકાત લઈ શકશે.આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયનો 15 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “બહુપ્રતીક્ષિત ટ્રેન પ્રવાસ કાર્યક્રમ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરીઃ બિયોન્ડ ગુવાહાટી” આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેનની મુસાફરી 21 માર્ચ 2023ના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે.સ્ટેટ ઓફ ધ આર્ટ ‘ડીલક્સ એસી’ ટૂરિસ્ટ ટ્રેનમાં કુલ 156 પ્રવાસીઓ મુસાફરી કરી શકે છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
રેલવેના જણાવ્યા અનુસાર, આ ટ્રેન આસામના ગુવાહાટી, શિવસાગર, જોરહાટ અને કાઝીરંગા, ત્રિપુરાના ઉનાકોટી, અગરતલા અને ઉદયપુર, નાગાલેન્ડના દીમાપુર અને કોહિમા અને મેઘાલયના શિલોંગ અને ચેરાપુંજીને 15 દિવસમાં આવરી લેશે.પ્રવાસીઓ દિલ્હી, ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઇટાવા, કાનપુર, લખનઉ અને વારાણસી રેલ્વે સ્ટેશનોથી પણ આ પ્રવાસી ટ્રેનમાં ચઢી અથવા ઉતરી શકે છે.