દિલ્હીઃ- ભારતીય શૂટર અમનપ્રીત સિંહે વિતેલા દિવસને બુધવારના રોજ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
માહિતી અનુસાર ભારતીય શૂટર 60 શોટમાં 577નો સ્કોર કરીને 50માં સ્થાને રહ્યો હતો. શૂટર્સના ક્ષેત્રમાં ટોચ પર રહ્યો હતો. ઓલિમ્પિક ડોટ કોમ અનુસાર, દક્ષિણ કોરિયાના ગુનહ્યોક લીએ 574 (17X)ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ફ્રાન્સના કેવિન ચેપને 574 (11X) સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો.
બીજી તરફ ભારતનો હર્ષ ગુપ્તા મેડલથી ચુકી ગયો અને 573ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યો, જ્યારે અક્ષય જૈન 545ના સ્કોર સાથે 41મા સ્થાને રહ્યો. ભારતીય ત્રણેય ટીમ ઈવેન્ટમાં કુલ 1,695 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી હતી.
મહિલાઓની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં, ટિયાના, યશિતા શોકીન અને કૃતિકા શર્મા વ્યક્તિગત સ્પર્ધામાં મેડલ રાઉન્ડમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી પરંતુ 1601ના સંયુક્ત સ્કોર સાથે ટીમ કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી. ગઇકાલે બે ચંદ્રકો જીત્યા બાદ, ચેમ્પિયનશિપમાં ભારતની કુલ ચદ્રકોની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ સુવર્ણ અને ચાર કાંસ્ય ચંદ્રકો જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ 2023 એ પેરિસમાં 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ છે. જોકે, ચેમ્પિયનશિપમાં નોન ઓલિમ્પિક ઈવેન્ટ્સ પણ રમાઈ રહી છે. 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઈવેન્ટ ઓલિમ્પિક શૂટિંગ ઈવેન્ટ નથી.