નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે ફરીથી ઘટાડો થયો છે. અમેરીકામાં વ્યાજ દરોમાં રેકોર્ડ બ્રેક વધારો અને આર્થિક મંદીની આશંકાના કારણે ભારતીય શેરબજાર તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આજે શેર બજારમાં ખુલતાની સાથે થોડાજ સમયમાં તેજી જોવા મળી હતી. જો કે, ગણતરીના કલાકોમાં BSE Sensex અને NSE Niftyમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે સારા શરૂઆતથી આશાઓ બંધી હતી કે રોકાણકારોને કંઈક રાહત મળી શકે, પરંતુ બપોર થતા થતાં બજાર ધરાશાઈ થઈ ગયું.
યુએસમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી અમેરિકી શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. યુએસ માર્કેટમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક માર્કેટની શરૂઆત પણ સારી રહી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ એકવાર 600 પોઈન્ટ સુધી ઉપર ગયો હતો. બપોર સુધીમાં સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટનું નુકસાન થયું હતું, એટલે કે બજાર આજના ટોચથી 1600થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ 1-1 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ 550 પોઈન્ટથી વધુના વધારા સાથે 53 હજાર પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી લગભગ 150 પોઈન્ટ ઉછળીને 15,850 પોઈન્ટની નજીક હતો. બપોરે 01 વાગ્યે સેન્સેક્સ 640 પોઈન્ટ્સ (1.22 ટકા)થી વધુના ઘટાડા સાથે 51,900 પોઈન્ટ પર આવી ગયો હતો, બાદમાં ઘટાડો વધતો રહ્યો. 2.45 સુધીમાં, સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટના નુકસાનમાં ગયો હતો. બીજી તરફ નિફ્ટી લગભગ 225 પોઈન્ટ ઘટીને 15,465 પોઈન્ટ પર આવી ગયો હતો. જુલાઈ 2021 પછી સ્થાનિક બજાર માટે આ સૌથી નીચું સ્તર છે.