મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી બેંચમાર્ક નિફ્ટી 50 અને સેંસેક્સ સતત પાંચમાં દિવસે લીલા નિશાન સાથે બંધ થયા હતા. સ્થાનિક શેર બજારમાં આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય એરટેલના શેરમાં વધારે મજબુતી જોવા મળી હતી. જોકે, નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં લાભ મર્યાદિત રહ્યો હતો કારણ કે યુએસના ડેટાએ વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ નબળી પાડી હતી.
સોમવારે સેંસેક્સ 282 પોઈન્ટ એટલે કે 0.30 ટકા વધારા સાથે 72708.18 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 50 સત્ર દરમિયાન 22186.65ના પોતાના સર્વકાલિક ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો હતો. અંતે 82 પોઈન્ટ એટલે 0.37 ટકાના વધારાની સાથે 22,122.25 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. શેરબજારમં જોરદાર તેજીને પગલે માર્કેટ કેપિટલાઈઝેશન રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સમાં માર્કેટ કેપમાં પ્રથમવાર 392 લાખ કરોડ રૂપિયાને પાર ચાલ્યો હતો. બજાર બંધ થયા બાદ બીએસઈ માર્કેટ કેપ 391.74 લાખ રૂપિયા પર બંધ થયો હતો. જે ગત કારોબારી સત્રમાં 389.41 લાખ કરોડ ઉપર બંધ રહ્યો હતો. એટલે કે આજે ટ્રેડમાં બજાર માર્કેટ વેલ્યુ 2.33 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
આજે કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એફએણસીજી, બેંકિંગ, ઓટો, ફાર્મા, એનર્જી, ઈંફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી. જ્યારે સરકારી કંપનીઓના ઈન્જેક્સ, રિયલ એસ્ટેટ, સરકારી બેંકો કે ઈન્ડેક્સ તથા આઈટી સ્ટોક્સના ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડ કેપ અને સ્મોલ સ્ટોક્સમાં ખરીદીને પગલે બંને તેજી સાથે બંધ રહ્યાં હતા. સેંસેક્સમાં 30 શેરમાંથી 17 શેર તેજી સાથે તથા 13 મંદી સાથે બંધ રહ્યાં હતા. જ્યારે નિફ્ટીના 50 શેર પૈકી 28માં તેજી અને 22માં મંદી જોવા મળી હતી. આજે ભારતીય શેર બજારમાં બજાજ ફિનસર્વ 2.29 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.04, બજાજ ફાઈનેંસ 1.77 ટકા, આઈટીસી 1.58 ટકાની તેજી જોવા મળી હતી. જ્યારે લાર્સન 1.11 ટકા અને ટીસીએસમાં 0.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.