ભારતીય શેર બજારમાં જોરદાર તેજી, BSE 7200 અને નિફ્ટી 21800ને પાર
નવી દિલ્હીઃ શેરબજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં BSE સેન્સેક્સ 72,209 પર પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીએ 21873ની સપાટી વટાવી હતી. બેંક નિફ્ટી 427.25 પોઈન્ટ અથવા 0.93 ટકાના ઉછાળા સાથે 46,615 ના સ્તર પર પહોંચ્યો હતો. BSE સેન્સેક્સ આજે 332.27 પોઈન્ટ અથવા 0.46 ટકાના વધારા સાથે 71,977 ના સ્તર પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 115.30 પોઈન્ટ અથવા 0.53 ટકાના મજબૂત વધારા સાથે 21,812.75 પર ખુલ્યો અને 21800 ને પાર કરી ગયો હતો.
સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર મારુતિના શેર જ લાલ નિશાન જોવા મળ્યા હતા, જ્યારે બાકીના 29 શેર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ટોપ ગેઇનર્સમાં પાવર ગ્રીડ 2.99 ટકા અને ઇન્ફોસિસ 2.03 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.85 ટકા અને TCS 1.73 ટકા ઉપર ટ્રેંડ કરી રહ્યાં હતા. જ્યારે ICICI બેન્ક 1.74 ટકાના ઉછાળા સાથે અને ટાટા સ્ટીલ 1.67 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં હતા.
નિફ્ટીના 50માંથી 45 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 5 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 50માંથી જે પાંચ શેરો ઘટી રહ્યા છે તેમાં આઇશર મોટર્સ, મારુતિ અને HDFC લાઇફનો સમાવેશ થાય છે. જ્યારે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં અદાણી પોર્ટ્સ, BPCL, પાવર ગ્રીડ, Hero MotoCorp અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. બેંક નિફ્ટીમાં હાજર તમામ 12 શેરો આજે ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને ખાસ કરીને તેમાંથી PSU બેંક શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીનો ટોપ ગેનર PNB છે જે લગભગ 5 ટકા વધ્યો હતો.