ભારતીય શેરબજાર આજે શનિવારે પણ ચાલુ રહેશે, જાણો કારણ….
મુંબઈઃ ભારતીય શેર બજારમાં 3 દિવસની મંદી બાદ શુક્રવારે તેજી જોવા મળી હતી. સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રોજ શેર બજાર બંધ રહે છે પરંતુ 20મી જાન્યુઆરીના રોજ શનિવારે શેર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ તરફથી અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એનએસઈના પરિપત્ર મુજબ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટ પર સ્વિચ કરવા માટે બે વિશેષ લાઈવ સેશન આયોજીત કરવામાં આવ્યું છે. પ્રથમ સેશન સવારે 9.15 કલાકે શરુ થશે અને 10 કલાકે બંધ થશે. જ્યારે બીજુ સેશન સવારે 11.30 કલાકે શરુ થશે અને 12.30 કલાકે બંધ થશે.
શનિવારે સવારે 9થી 9.08 કલાક સુધી પ્રી-ઓપન સત્ર યોજાશે. જે બાદ સામાન્ય બજાર સવારે 9.15 કલાકે ખુલશે અને 10 કલાકે બંધ થઈ જશે. આ દરમિયાન ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ ઉપર થશે. બીજા સેશનનું પ્રી-ઓપન સત્ર સવારે 11.15 કલાકે શરુ થશે અને 11.30 કલાકે પૂર્ણ થશે. જ્યારે 11.30 કલાકે બજાર ખુલશે અને 12.30 કલાકે બજાર બંધ થશે. ક્લોઝિંગ સેશન 12.40થી 12.50 સુધી રહશે. બીએસઈ અને એનએસઈમાં આ જ પ્રણામે શનિવારે કામગીરી થશે.
આ ટ્રેડિંગ સેશન મારફતે જોવામાં આવશે કે, ઈમરજન્સીની પરિસ્થિતિમાં સર્વરની કેપિબિલીટી કેટલી છે. એટલે સ્ટોક એક્સચેંજ ડિઝાસ્ટર રિવકરી સાઈટ પર ટ્રાયલ કરશે. સ્ટોક એક્સચેન્જનો એવો ઈરાદો છે કે, વિષમ પરિસ્થિતિમાં વિઘ્ન વિના ટ્રેડિંગ યથાવત રાખી શકાય. સાયબર એટેક, સર્વર ક્રેશ તથા અન્ય પરિસ્થિતિઓમાં ટ્રેડિંગને ડીઆર સાઈટ ઉપર સિફ્ટ કરી શકાય છે. જેનાથી માર્કેટ અને રોકાણકારોની સ્થિરતા યથાવત રહે અને ટ્રેડિંગ યોગ્ય રીતે ચાલુ રહે.