મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ખુલ્યા છે. સેન્સેક્સ 537 પોઈન્ટના શરુઆતી ઉછાળા સાથે 74 હજાર 413ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 157 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 592ની સપાટીએ ખુલ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં તેજીનો માહોલ છે.
બીજી તરફ ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, ભારતી એરટેલ, એસબીઆઈ, સનફાર્માના શેર્સમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. સવારના બે કલાકના કારોબારી સેશન પછી સેન્સેક્સ 50 પોઈન્ટના વધારા સાથે 73 હજાર 900ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આ તરફ સોનાના ભાવ પણ વધી રહ્યા છે. 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 71 હજાર 590 પર પહોંચ્યો છે. તો એક કિલો ચાંદીનો ભાવ 82 હજાર પર પહોંચ્યો છે. જ્યારે ક્રૂડનો ભાવ 89 ડૉલર પર પહોંચ્યો છે. ગઈ કાલે 30 શૅર પર આધારિત BSE સેન્સેક્સ 27.09 પૉઇન્ટ અથવા 0.04 ટકાના ઘટાડા સાથે 73,876.82 પૉઇન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 18.65 પૉઇન્ટ્સ અથવા 0.08 ટકાના ઘટાડા સાથે 22,434.65 પૉઇન્ટ પર બંધ થયો હતો.