ભારતના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને સંશોધન ક્ષેત્રે દેશ-વિદેશમાં ડંકો વગાડી રહ્યા છેઃ ઋષિકેશ પટેલ
દેશ-રાજ્યમાં પ્રશાસન, ઉદ્યોગો,ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આવતી નાની-મોટી સમસ્યાઓ અને પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે વિદ્યાર્થીઓ- યુવાનોની ભૂમિકા હંમેશા ખૂબ જ સરાહનીય રહી છે. મોટી સમસ્યાઓનું ટેકનોલોજીના માધ્યમથી સમાધાન શક્ય બને છે તેમ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે PDEU ગાંધીનગર ખાતે આજે જણાવ્યું હતું. પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી PDEU- ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડૌરની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2024ના ભાગરૂપે ‘ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩‘નો ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મંત્રી ઋષિકેશભાઇ પટેલ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે નવી નવી ટેકનોલોજીના ઉદભવની સાથે તેમાં આવતી સમસ્યાઓના ઉકેલ પણ શક્ય બન્યા છે. ભારતના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને નવીન સંશોધન ક્ષેત્રે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નાના નાના સંશોધન થકી જ મોટી સમસ્યાઓનો હલ લાવવા આ પ્રકારની હેકાથોન વિદ્યાર્થીઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સ્ટાર્ટઅપમાં હાલ ત્રીજા નંબર પર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ સ્ટાર્ટઅપને વધુને વધુ પ્રોત્સાહન આપવા અલગથી સ્ટાર્ટઅપ પોલીસી અમલી બનાવી છે. જેમાં રાજ્યમાં સંશોધન ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ- યુવાનોને માર્કેટિંગ, નવા આઈડિયાઝ, આર્થિક સહિત વિવિધ રીતે સહયોગ પણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓને તમામ સહયોગ કરવા હંમેશા તત્પર છે.
શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષ -2047 સુધીમાં ‘વિકસિત ભારત‘ બનવા જઈ રહ્યું છે તેમાં દેશના યુવાઓની ભૂમિકા- પ્રદાન ખૂબ જ મહત્વનું હશે. રાજ્યમાં યોજાયેલ હેકાથોનમાં ગુજરાત સહિત આઠ રાજ્યોના વિદ્યાર્થીઓની ટીમો ભાગ લઈ રહી છે તે યુવાઓમાં સંશોધન અને સમસ્યાઓના ઉકેલની તત્પરતા દર્શાવે છે. ‘સ્ટાર્ટઅપ આર બેકબોન ઓફ ન્યુ ઇન્ડિયા‘ પ્રસ્થાપિત થયું છે ત્યારે ‘સ્ટુડન્ટસ્ટાર્ટઅપ પોલિસી‘નું અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. નાની મોટી સમસ્યાઓનો ઉકેલ પણ સ્ટાર્ટ અપ- ટેકનોલોજીના માધ્યમથી રાજ્યમાં શક્ય બન્યો છે તેમ,જણાવી મંત્રીએ નવા વર્ષમાં નવા સંકલ્પ, નવી સિદ્ધિઓ સાથે આગળ વધવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવા ભારતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અમલમાં મૂકી છે. આ પોલિસી થકી વિદ્યાર્થીઓ- યુવાનો આજે નવા સાહસ – સંશોધન કરી ગુજરાત અને દેશનું નામ દુનિયામાં આગળ વધારી રહ્યાં છે. આજની યુવા પેઢી ઇનોવેશન થકી તેમની સમસ્યાનોનું સમાધાન મેળવી રહી છે. આપણું ગુજરાત અને ગુજરાતના યુવાનો નવા ઈનોવેશન અને સ્ટાર્ટઅપમાં ખૂબ આગળ વધી રહ્યા છે જેના પરિણામે ગુજરાત આજે સ્ટાર્ટઅપમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ દેશના સ્ટાર્ટઅપને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મહત્વની સાબિત થશે.