યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ રશિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકશે
નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 100 દિવસથી વધારે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ પરત ભારત ફર્યાં હતા. તેમજ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને અનેક સરકાર ચિંતિત બની હતી જો કે, હવે આ ભારતીય વિદ્યાર્થીઓને રશિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ તેમનો અભ્યાસક્રમો ચાલુ રાખી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેન છોડનારા ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી ખોરવાઈ ગઈ હતી અને તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. દરમિયાન રશિયન એમ્બેસીના ડેપ્યુટી હેડ રોમન બાબુશકિને જણાવ્યું કે, આવા વિદ્યાર્થીઓ હવે રશિયન યુનિવર્સિટીઓમાં તેમણે જ્યાંથી અભ્યાસ અધૂરો છોડ્યો હતો ત્યાંથી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. હવે તેમણે તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દેવાની જરૂર નહીં પડે અને તેમનું શૈક્ષણિક વર્ષ પણ બગડશે નહીં. રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલ અને તિરુવનંતપુરમમાં રશિયન હાઉસના ડિરેક્ટર રતિશ સી. નાયરના જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવી રહ્યા હતા તેઓ રશિયન યુનિવર્સિટીઓમાં પણ સ્કોલરશીપ મેળવી શકે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી છે કે રશિયન યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે તેમણે ફી ભરવી પડશે. યુક્રેનમાં ચૂકવવામાં આવેલી ફી રશિયાની યુનિવર્સિટીઓ માટે માન્ય રહેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતા યુક્રેનમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ ફસાયાં હતા. જેથી ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરીને યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યાં હતા. બીજી તરફ ભારતે બંને દેશોને હિંસાનો માર્ગ છોડીને શાંતિથી વાતચીતથી ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી.