નવી દિલ્હીઃ મહિલા એશિયા કપ 2024ની 10મી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 82 રને જીતી લીધી છે. 179 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 96 રન જ નોંધાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ સતત ત્રીજો વિજય છે. આ જીત સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત ગ્રુપ Aમાં ટોપ પર છે. આ પહેલા ભારતે પાકિસ્તાન અને યુએઈને હરાવ્યા હતા.
179 રનના સ્કોરનો પીછો કરતી વખતે નેપાળનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. નેપાળ તરફથી સીતા માગરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 22 બોલમાં 18 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય અરુંધતિ રેડ્ડી અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો હતો. ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં શેફાલી અને હેમલતાએ ઇનિંગની શરૂઆત કરી હતી. આ મેચમાં શેફાલી શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. તેણે 48 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 12 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેના સિવાય હેમલતાએ આ મેચમાં 42 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઇનિંગ્સના અંતે જેમિમાહ રોડ્રિગ્સે 15 બોલમાં 28 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. નેપાળ તરફથી માગરે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 25 રનમાં 2 વિકેટ લીધી હતી.