મુંબઈ : ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. આ રમતોમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પીએમ મોદીએ ભારતીય ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય મહિલા ટીમ પણ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 114 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના કારણે ભારતીય ટીમને 42 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેને તેણે 3.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમની આ ત્રીજી જીત હતી.
ભારત સામેની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ફાઈનલના દબાણને અનુભવતા ઓસ્ટ્રેલિયાએ તેમની ઈનિંગ્સને ધીરે ધીરે આગળ વધારી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં 114/8 સુધી મર્યાદિત કરવા માટે નિયમિત અંતરાલ પર વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ કોઈ દબાણમાં ન દેખાઈ અને 3.3 ઓવરમાં 42 રન બનાવીને મેચ જીતી લીધી.
ભારતીય ટીમની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લાઇન્ડ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેના X હેન્ડલ (અગાઉના ટ્વિટર) પર લખ્યું: “ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને IBSA વર્લ્ડ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન! એક યાદગાર સિદ્ધિ જે આપણા મહિલા ખેલાડીઓની અદમ્ય ભાવના અને પ્રતિભાનું ઉદાહરણ આપે છે. ભારતને તમારા પર ગર્વ છે.”
Kudos to the Indian women's blind cricket team for winning the Gold at the IBSA World Games! A monumental achievement that exemplifies the indomitable spirit and talent of our sportswomen. India beams with pride! https://t.co/4Ee7JfF3UH
— Narendra Modi (@narendramodi) August 26, 2023