- હરમનપ્રીત કૌરે ચેમ્પિયન બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો
નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત કોચિંગ સ્ટાફના સભ્યો સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિંગ્સ પણ જોવા મળે છે. આ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપ્યા હતા.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું માનવું છે કે, ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સક્ષમ છે. તેને ટી20 વર્લ્ડ કપ 2020 યાદ કર્યો હતો. જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ચૂકી ગઈ હતી. હરમનપ્રીત કૌરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા એક મજબૂત ટીમ છે, પરંતુ અમે ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપી શકીએ છીએ. અમારી શ્રેષ્ઠ ટીમ T20 વર્લ્ડ કપ માટે જઈ રહી છે. અમારી પાસે વર્લ્ડ કપ જીતવાની શાનદાર તક છે. વાસ્તવમાં, જો આવું થશે તો ટીમ ઈન્ડિયા પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતશે. અત્યાર સુધી ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી નથી.
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2020 અને T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. બંને વખત ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે વર્લ્ડ ચેમ્પિયન બનશે. તાજેતરમાં એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલો ઉઠ્યા હતા.