Site icon Revoi.in

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હવે પુરુષ ટીમ જેટલી જ મેચ ફી મળશે, BCCIનો નિર્ણય

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ  લિંગ સમાનતા તરફ વધુ એક પગલુ ભર્યું છે, તેમજ મહિલા અને પુરુષ ક્રિકેટરોને સમાન મેચ ફી આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મને બીસીસીઆઈના એક મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.

અમે કોન્ટ્રાક્ટ મહિલા ક્રિકેટરો માટે સમાન પગારની નીતિ લાગુ કરી રહ્યા છીએ. ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશતા, મેચ ફી પુરૂષ અને મહિલા ક્રિકેટરો બંને માટે સમાન હશે.” તેમણે વધુમાં કહ્યું કે, “BCCI દ્વારા મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે.”

તેમણે કહ્યું કે બીસીસીઆઈ કરારબદ્ધ ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વનડે મેચ માટે 6 લાખ રૂપિયા અને ટી-20 મેચ માટે 3 લાખ રૂપિયા આપશે. જય શાહે કહ્યું, “વેતન સમાનતા અમારી મહિલા ક્રિકેટરો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા હતી અને હું તેમના સમર્થન બદલ એપેક્સ કાઉન્સિલનો આભાર માનું છું.”

ભારત તેની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે સમાન મેચ ફીની જાહેરાત કરનાર બીજો દેશ છે. ન્યુઝીલેન્ડે જુલાઈમાં આની જાહેરાત કરી હતી. 1 ઓગસ્ટ 2022 થી, ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમ અને મહિલા ટીમને સમાન મેચ ફી મળી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ટીમે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સ (CWG)માં સિલ્વર મેડલ જીત્યો હતો. ઈંગ્લેન્ડને તેમના ઘરઆંગણે ODI શ્રેણીમાં 3-0થી હરાવ્યું અને પછી રેકોર્ડ સાતમી વખત એશિયા કપ પર કબજો કર્યો.

(PHOTO-FILE)