કેનેડામાં ખાલિસ્તાનીઓના પ્રદર્શન સામે ભારતિયોએ તિરંગા સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યાં
ટોરોન્ટોઃ કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાનીઓના વિરોધી પ્રદર્શન સામે ભારતીયોએ એકઠા થઈને હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના સૂત્રો પોકારીને ખાલિસ્તાની આંદોલનકારીઓને જડબાતાડ જવાબ આપ્યો હતો. ગાજ્યા મેહ વરસ્યા નહીં તેમ જે રીતે ખાલિસ્તાનીઓએ રેલીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એટલી સંખ્યામાં તેના સમર્થકો એકઠા થઈ શક્યા નહોતા. ખાલિસ્તાનીઓના પ્રદર્શન દરમિયાન દૂતાવાસની આસપાસ હાજર ભારતીય સમર્થકોએ ત્રિરંગો લહેરાવીને અને ભારત માતા કી જયના નારા લગાવીને જવાબ આપ્યો હતો. અને તેનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં થયો હતો. જેમાં એક તરફ ખાલિસ્તાની સમર્થકો પોતાના ઝંડા લઈને ફરતા જોવા મળે છે, જ્યારે ભારતીય સમર્થકો હાથમાં ત્રિરંગો લઈને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.
કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર લગભગ 250 ખાલિસ્તાની વિરોધીઓએ ધ્વજ લહેરાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના જવાબમાં ભારતીય સમુદાયના લોકોએ પણ તિરંગો લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. ભારતીયોએ તેમના હાથમાં પ્લેકાર્ડ પર ‘ખાલિસ્તાની શીખ નહીં હોતે’ ના સૂત્રો લખવામાં આવ્યા હતા. ભારતીયોના દેખાવો અને સૂત્રોચ્ચાર સામે ખાલિસ્તાનીઓની રેલી ફિક્કી પડી ગઈ હતી. વિરોધ દરમિયાન બંને પક્ષના સમર્થકો સામસામે જોવા મળ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ 9મી જુલાઈએ અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ‘કીલ ઈન્ડિયા’ રેલી કાઢવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ કેનેડાના બ્રેમ્પટનમાં બનેલા ભારત માતાના મંદિરની બહાર શરમજનક કૃત્ય કર્યું હતું. ખાલિસ્તાની સમર્થકોએ અહીં પોસ્ટર લગાવ્યા હતા અને તસવીરો સાથે ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી હતી. કેનેડામાં ભારતીય સમુદાયના લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો છે.
મિડિયા રિપોર્ટ મુજબ ખાલિસ્તાની સમર્થકોએ 9મી જુલાઈએ અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ‘કીલ ઈન્ડિયા’ રેલી કાઢવાની જાહેરાત કરી હતી. જેમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય દૂતાવાસોની બહાર ભીડ એકઠી થઈ શકી ન હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર લગભગ 30-40 ખાલિસ્તાની સમર્થકો ઝંડા લઈને જતા જોવા મળ્યા હતા. આતંકવાદી પરમજીત સિંહ પમ્માએ તેનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન પોલીસ ફોર્સ પણ ત્યાં હાજર હતો. જોકે, આતંકવાદી પમ્મા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભીડના અભાવે, આ પ્રદર્શન નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ ગયું હતુ.
સૂત્રોના કહેવા મુજબ ખાલિસ્તાનના નારા લગાવીને ભારતમાં અલગ દેશની માગણી કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોને હવે કેનેડા સહિત વિદેશમાં ઓછું સમર્થન મળી રહ્યું છે. તેની પાછળનું કારણ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલું દબાણ અને ખાલિસ્તાની સમર્થકો તરફથી ભારતીય દૂતાવાસ અને રાજદ્વારીઓને નુકસાન પહોંચાડવાની ધમકીઓ છે. જે બાદ હવે કેનેડા, અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ પીછેહઠ શરૂ કરી દીધી છે. તમામ દેશોના વિદેશ મંત્રાલયોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ તેમની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓને મંજૂરી નહીં આપે.